
જુનાગઢ 6 ઓક્ટોબર (હિ.સ.) બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે 'સેતુ' કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન, ન્યુટ્રીયશન અને PoSH અવેરનેસ વિષય પર સેમિનાર યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના 'જેન્ડર રિસોર્સ સેન્ટર' અને બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના 'સેતુ સેલ' (SETU - Sustaining Equality Through Universities) ના સંયુક્ત ઉપક્રમે Safe, Healthy and Inclusive Spaces ની થીમ હેઠળ એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જેન્ડર સમાનતા, પોષણ અને PoSH એક્ટ અંગે જાગૃતિ લાવવાનો હતો. આચાર્ય ડૉ.જે.આર.વાંઝાએ પોતાનું શાબ્દિક સ્વાગતમાં જણાવ્યું હતું કે, સાચા અર્થમાં એક સ્વસ્થ સમાજનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સામાજિક સમાનતાનું પણ સિંચન થાય. વિદ્યાર્થીઓએ યુવાવસ્થાથી જ સ્ત્રી-પુરુષ સમાનતાના મૂલ્યો સમજવા જોઈએ અને યોગ્ય આહાર અપનાવી શારીરિક રીતે સક્ષમ બનવું જોઈએ, જેથી ભવિષ્યમાં સૌ માટે એક સુરક્ષિત વાતાવરણ ઉભું કરી શકાય..
ત્યારબાદ સેતુ કો-ઓર્ડીનેટર ડૉ. હરેશ વરુએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સેમિનારના મુખ્ય વિષયોની અગત્યતા વિશે પોતાની વાત ઉમેરી હતી. સેમિનારમાં ડૉ. જે.બી.ઝાલાએ 'જેન્ડર ઇક્વાલિટી' (લિંગ સમાનતા) અને 'ઘરેલું હિંસા' જેવા વિષયો પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ જૂનાગઢના પ્રતિષ્ઠિત શ્રી ડૉ. જય રાણિંગાએ 'પોષણ અને આહાર' વિષય પર વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંડું જ્ઞાન પીરસ્યું હતું. તેમણે શરીર માટે જરૂરી દરેક વિટામિન, તેના ફાયદાઓ, તેની ઉણપથી થતા રોગો અને રોજિંદા જીવનમાં કેવો સંતુલિત આહાર લેવો જોઈએ તે અંગે તલસ્પર્શી અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી. શ્રી ડૉ. પરવેઝ બલોચે 'The PoSH Act 2013' (Prevention of Sexual Harassment at Workplace) અંગે કાનૂની સમજ આપી હતી. કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે ઘડાયેલા આ કાયદાની કલમો અને તેની પ્રક્રિયાઓ વિશે તેમણે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.
આ સેમિનારમાં કોલેજના કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ આચાર્ય બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ