
ભાવનગર,07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૬થી ૯ ઓક્ટોબર દરમિયાન ROBOFEST-GUJARAT 6.0 અંતર્ગત AI-Powered Robotics Innovation Challenge – Hackathon યોજાઈ રહી છે. ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ હેકાથોન અંગે GUJCOSTના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
હેકાથોનનો મુખ્ય હેતુ યુવાનોને પોતાના વિચારોને ટેકનોલોજી આધારિત ઉકેલમાં પરિવર્તિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવીન ટેકનોલોજીના ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
હેકાથોન માટે સમગ્ર દેશમાંથી ૪૮૦ ટીમોએ નોંધણી કરાવી હતી. વિચારોના મૂલ્યાંકન બાદ ૫૨ શ્રેષ્ઠ ટીમોની પસંદગી થઈ છે. જેમાં ગુજરાતના ૯ જિલ્લાની ૩૭ ટીમો તથા મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની ૧૫ ટીમોનો સમાવેશ થાય છે. ભાવનગરની બે શાળાની ટીમો પણ પસંદગી પામી છે. પસંદ થયેલી ટીમોને આઈડિયાના વિકાસ માટે GUJCOST દ્વારા રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવી છે. ૩૬ કલાક દરમિયાન ટીમો રોબોટિક્સ અને AI આધારિત ઉકેલો વિકસાવી કાર્યરત પ્રોટોટાઇપ રજૂ કરશે.
હેકાથોનમાં ફાયર ફાઇટર્સની મદદ માટે રોબોટ, ખેતીમાં દવા છંટકાવ અને નિંદામણ માટે રોબોટિક્સ, કચરાના વર્ગીકરણ માટે રોબોટ તથા સ્માર્ટ શોપિંગ ટ્રોલી જેવા નવીન સોલ્યુશન્સ પર કામ થઈ રહ્યું છે. મેન્ટર્સના માર્ગદર્શન હેઠળ ટીમો ડિઝાઇન, નિર્માણ, પરીક્ષણ અને સુધારણા કરશે.
નગરજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓને રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ યુવા ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે. મુલાકાત માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા છે. હેકાથોનનું સમાપન તા. ૯ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યે થશે અને વિજેતા ટીમોને પારિતોષિક આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA