
બોટાદ, 07 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા ખાતે 4થી 6 ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીય શાળાકીય રમતગમત અંતર્ગત અંડર-17 બહેનોની રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં આદર્શ માધ્યમિક વિદ્યાલય, બોટાદ સંચાલિત DLSS બોટાદની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
રાજ્યભરમાંથી આવેલી પ્રતિભાશાળી ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં બોટાદની ખેલાડીઓએ રમતકૌશલ્ય, શિસ્ત અને અદમ્ય મહેનતના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સફળતા પાછળ વોલીબોલ કોચ જલ્પાબેન ચૌહાણ, લતાબેન ઝાલા અને ટ્રેનર કિરણ પરમારના સતત માર્ગદર્શન અને સઘન તાલીમનો મહત્વનો ફાળો રહ્યો છે.
ખેલાડીઓ દ્વારા દરરોજ આશરે 6થી 8 કલાક નિયમિત વર્કઆઉટ, કઠોર તાલીમ અને શિસ્તબદ્ધ મહેનત કરવામાં આવતી હતી. તેના પરિણામે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી DLSS બોટાદે બોટાદ જિલ્લાનું નામ રમતગમત ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે..
આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ, આચાર્ય સંજય સાહેબ, કોચ, ટ્રેનર, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર DLSS બોટાદ પરિવાર દ્વારા વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. DLSS બોટાદની આ સિદ્ધિ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, શિસ્તબદ્ધ તાલીમ અને સતત મહેનતથી બોટાદની પ્રતિભાઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગવી ઓળખ બનાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA