
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરતા શખ્સ સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ વિંગના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના ચિત્રા મફતનગર વિસ્તારમાં રહેતા મહેશના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવવામાં આવ્યા છે. બાતમીના આધારે ટીમે શખ્સના મકાન પર દરોડો પાડી તલાશી હાથ ધરી હતી.
દરમિયાન મકાનના ફળિયામાં તેમજ કુંડામાં ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના કુલ 12 છોડ મળી આવ્યા હતા. પોલીસે ગાંજાના છોડ સહિત કુલ રૂ. 27,900નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ગાંજાના છોડ મકાનના ફળિયા અને કુંડામાં ઉછેરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંજાના છોડ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરીને પગલે ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અને ખેતી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA