
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : બોટાદ જિલ્લામાં સ્ટ્રીટ ફૂડનું વેચાણ કરતા નાના વેપારીઓ માટે વિનામૂલ્યે ફૂડ સેફ્ટી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં 150થી વધુ ખાદ્ય પદાર્થોના નાના વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ સ્ટ્રીટ ફૂડનું વેચાણ કરતા વેપારીઓમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો હતો.
તાલીમ દરમિયાન વેપારીઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા, સ્વચ્છ વાતાવરણમાં ખોરાક તૈયાર કરવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકીને રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ખોરાક બનાવતી વખતે સ્વચ્છ પાણીનો ઉપયોગ, હાથની સ્વચ્છતા, વાસણોની સફાઈ અને ખાદ્ય પદાર્થોના સંગ્રહ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
સ્ટ્રીટ ફૂડના વ્યવસાયમાં સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાથી ગ્રાહકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી શકે છે. આ ઉપરાંત વેપારીઓને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તથા અસ્વચ્છ રીતે ખોરાક રાખવાથી થતા નુકસાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA