
ભાવનગર,07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક અલંગ જતા માર્ગ પર સર્જાયેલા ભીષણ અકસ્માતમાં સાત લોકોનાં કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. રસ્તા પર ઊભેલા ટ્રક સાથે વાહન અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સમાચાર મળતાં પૂજ્ય મોરારિબાપુએ મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારજનોને રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 1.05 લાખની સહાય રકમ અર્પણ કરવામાં આવી છે. આ સહાયની વિત્તીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાએ કરી છે.
દરમિયાન, તા. 3 ઓક્ટોબરના રોજ કેન્યામાં નૈરોબી-મોમ્બાસા હાઈવે પર મિલિમા કીયુ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં 17 લોકોનાં મોત થયા હતા. કેથોલિક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ઘટનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને પણ રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 2.55 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. નૈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં આ સહાય પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત રોહિસા ચોકડી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા એક શ્રમિકના પરિવારને પણ રૂ. 15 હજારની સહાય કરવામાં આવી છે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA