
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત @2047ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.
નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા વિકસિત ભારત @2047ના નિર્માણ માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કલાકાર સાગરદાન ગઢવી અને ટીમ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર પૂર્વ અને પશ્ચિમ માટે પેડક ગ્રાઉન્ડથી મીણબતી સર્કલ થઈ નિલમબાગ સર્કલ સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી. મહુવા, તળાજા, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા અને જેસર માટે પેડક ગ્રાઉન્ડથી હિમાલયા મોલ તરફ થઈ યુનિવર્સિટી અટલ ઓડિટોરિયમ સુધી યાત્રા યોજાઈ હતી. જ્યારે સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા માટે પેડક ગ્રાઉન્ડથી જવેલ્સ સર્કલ થઈ આરટીઓ સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, મેયર ઉષા તલરેજા, ધારાસભ્યો સેજલ પંડયા, ગૌતમભાઈ ચૌહાણ, શિવા ગોહિલ, ભીખા બારૈયા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA