
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ અને સેવાદળ દ્વારા 'લોકશાહી અને બંધારણ બચાવો'ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ આંદોલન દરમિયાન સ્થાનિક મહિલાઓએ વાસણો વગાડીને સત્તાધારી પક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો, અને રાહુલ ગાંધી તથા ઈન્ડિયા ગઠબંધનના દિલ્હીના રામલીલા મેદાનના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.
જામનગર શહેર કોંગ્રેસ અને સેવાદળના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર-૪માં આવતા નવાગામ ઘેડ વિસ્તારમાં એક વિશેષ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયેલી સ્થાનિક મહિલાઓએ થાળીઓ અને વાસણો વગાડીને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું અને દેશની લોકશાહી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની જોરદાર માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે, દેશના નાગરિકોના મત આપવાના પવિત્ર બંધારણીય અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સત્તાધારી પાર્ટી સાથે મળીને મતોની ચોરી કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કોંગી નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને દિલ્હીના રામલીલા મેદાન ખાતે રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિશાળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જામનગરથી દિલ્હી ન જઈ શકતા કોંગી કાર્યકરો અને સમર્થકોએ સ્થાનિક કક્ષાએ જ આ આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. દેશમાં લોકશાહી અને બંધારણની ગરિમા બચાવવા માટે જ્ઞાનેશ કુમારે તુરંત પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે આગામી દિવસોમાં પણ લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt