ભાવનગર રેલવે મંડળ દ્વારા મુસાફરોને મોબાઇલ ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ
મુસાફરોને ટ્રેનો અને રેલવે પરિસરમાં ઇયરફોનનો ઉપયોગ કરવા તેમજ ઊંચા અવાજે વાતચીત કરવાનું ટાળવા વિનંતી ભાવનગર, 1 નવેમ્બર (હિ.સ.) :પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સહયાત્રીઓના આરામ અને સુવિધાને
ભાવનગર રેલવે મંડળ દ્વારા મુસાફરોને મોબાઇલ ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ


મુસાફરોને ટ્રેનો અને રેલવે પરિસરમાં ઇયરફોનનો ઉપયોગ કરવા તેમજ ઊંચા અવાજે વાતચીત કરવાનું ટાળવા વિનંતી

ભાવનગર, 1 નવેમ્બર (હિ.સ.) :પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સહયાત્રીઓના આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનો તેમજ રેલવે પરિસરમાં મોબાઇલ ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ સ્પીકર મોડ પર સંગીત અથવા વીડિયો વગાડવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરે. આ ઉપરાંત, ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા રેલવે પરિસરમાં ઊંચા અવાજે વાતચીત કરવાનું પણ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

મુસાફરોને જણાવવામાં આવે છે કે સ્પીકર મોડ પર સંગીત અથવા વીડિયો વગાડીને અથવા મોબાઇલ ફોન પર ઊંચા અવાજે વાત કરીને સહયાત્રીઓને અસુવિધા પહોંચાડવી એ ટ્રેનો અથવા રેલવે પરિસરમાં ઉપદ્રવ (Nuisance) ફેલાવવાની શ્રેણીમાં આવે છે. આવા કૃત્યો સામે રેલવે અધિનિયમની કલમ 145 હેઠળ લાગુ પડતી જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી શકે છે, જેમાં ₹1,000/- સુધીનો દંડ સામેલ છે. કોઈ અધિકૃત રેલવે કર્મચારી દ્વારા મનાઈ કરવામાં આવ્યા છતાં આવું વર્તન ચાલુ રાખવામાં આવે તો અધિનિયમની જોગવાઈઓ અનુસાર વધુ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ તમામ મુસાફરોને આ સામાન્ય શિષ્ટાચારનું પાલન કરવા અને સહયાત્રીઓની સુવિધાનું સન્માન કરવા સહયોગ આપવા અપીલ કરે છે, જેથી દરેકની મુસાફરી સુખદ અને સુગમ બની રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande