
સુરત, 01 નવેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં ખરીદીના બહાને સાડી ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટની ચાર મહિલાઓએ અભિનંદન બંધેજ નામની દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કર્યો હતો. વેપારી અને કારીગરોને સાડી બતાવવામાં વ્યસ્ત રાખીને તેમની નજર ચૂકવી ₹20 હજારની કિંમતની બે મોંઘી બાંધણી સાડી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
દુકાનના માલિક કલ્પ ડુંગાણીને સાડીઓ ઓછી જણાતાં CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ચારેય મહિલાઓની ચોરીની કરતૂત સામે આવી હતી. ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસે મળેલી બાતમીના આધારે રાજકોટમાં કાર્યવાહી કરી શીતલબેન હાડા, નયનાબેન સોલંકી, આશાબેન રાઠોડ અને કિરણબેન ઉર્ફે કિર્તિબેન ડોડીયાને ઝડપી પાડી હતી. ચારેય મહિલાઓ પાસેથી ચોરી કરાયેલી બંને બાંધણી સાડીઓ પણ કબજે કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે