જામનગરમાં હેરોઈનના જથ્થા સાથે યુવક ઝબ્બે: વાંકાનેરના સપ્લાયરની શોધખોળ શરૂ
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાંથી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે દરોડો પાડી નશીલા પદાર્થના વેચાણ માટે આંટાફેરા મારતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૩૨ લાખની કિંમતનું ૬.૬૩ ગ્રામ બ્રાઉન હેરોઈન
ફરિયાદ


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાંથી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે દરોડો પાડી નશીલા પદાર્થના વેચાણ માટે આંટાફેરા મારતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૩૨ લાખની કિંમતનું ૬.૬૩ ગ્રામ બ્રાઉન હેરોઈન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થનો જથ્થો વાંકાનેરના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલતા તેને ફરાર જાહેર કરીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ પોતાના બાઇક પર માદક પદાર્થનો પાવડર રાખીને ઉદ્યોગનગર વિસ્તારમાં ગ્રાહકોની શોધમાં આંટાફેરા કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે સરકારી પંચોની હાજરીમાં બોલેરો વાહન અને ખાનગી મોટરસાયકલ સાથે દરોડાનું આયોજન કર્યું હતું. બપોરના સમયે બાતમી મુજબનો શખ્સ પોતાની સિલ્વર કલરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-10-CH-8994 લઈને નીકળતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી લીધો હતો.

પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા શખ્સની ઓળખ શાહરૂખ સલીમ વાંઢા (ઉંમર ૨૮, રહે. ધરાનગર, એમ.પી. શાહ ઉદ્યોગનગર, સંત કબીર આવાસ, બ્લોક નંબર B, રૂમ નંબર ૨૧૧, જામનગર) તરીકે થઈ હતી. પોલીસે શંકાસ્પદ શખ્સની અંગઝડતી લેતાં તેની પાસેથી ૬.૬૩ ગ્રામ બ્રાઉન હેરોઈન પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની આકરી પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શાહરૂખ વાંઢાએ કબૂલાત કરી હતી કે આ નશીલા પદાર્થનો જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી હાર્દિક નામના શખ્સ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. આ વિગતોના આધારે પોલીસે વાંકાનેરના હાર્દિકને ફરાર જાહેર કરી તેની અટકાયત કરવા માટે તપાસનો દોર વાંકાનેર સુધી લંબાવ્યો છે. દ્રવ્યના આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande