
સુરત, 01 નવેમ્બર (હિ.સ.): સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઇટ પર રવિવારે (1 નવેમ્બર) સવારે ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. ડમ્પિંગ સાઇટ પર પડેલા હોટફિક્સના મોટા જથ્થામાં આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આકાશમાં દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. કચરાના મોટા જથ્થામાં આગ અંદર સુધી પ્રસરી હોવાથી તેને સંપૂર્ણપણે બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે. આગ ફરી ન ભભૂકે તે માટે ફાયર જવાનો દ્વારા જેસીબીની મદદથી કચરાને ખસેડવામાં આવી રહ્યો છે અને અલગ-અલગ જગ્યાએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે કચરાના વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે. જ્વલનશીલ અને ઔદ્યોગિક કચરાનો યોગ્ય નિકાલ થાય છે કે નહીં, તેમજ આગ રોકવા માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. આગ અકસ્માતે લાગી છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ તપાસની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે