જામનગરમાં ફૂડ વિભાગના ધડાધડા દરોડા: બે દિવસમાં અખાદ્ય ખોરાકનો નાશ કરી અનેક પેઢીઓ સામે કડક કાર્યવાહી
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થ વેપારીઓ સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ખોજા નાકા, કાલાવડ નાકા, બેડેશ્વર અને રણજીત
ફૂડ દરોડા


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થ વેપારીઓ સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ખોજા નાકા, કાલાવડ નાકા, બેડેશ્વર અને રણજીતસાગર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલો, કેટરર્સ અને નોનવેજ રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરીને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને નિયમભંગ બદલ સીલિંગ તેમજ પેઢીઓ બંધ કરાવવાની કાર્યવાહી કરાઈ હતી.

પ્રથમ દિવસે ખોજા નાકા બહાર અને કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નીશ્બા કેટરર્સમાંથી ૩૯ કિલો, અજમેરી ચીકન રેસ્ટોરન્ટમાંથી ૬૦ કિલો, નાઈસ સીખ કોર્નરમાંથી ૮ કિલો અને સ્ટાર પરફેક્ટ અહેમદાબાદીમાંથી ૫ કિલો જેટલો કલરયુક્ત તથા અખાદ્ય નોનવેજ અને ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ લાયસન્સના અભાવ અને નિયમોના ભંગ બદલ કાલાવડ નાકા બહારની હુશેની ચીકન પેઢીને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ પેઢીઓમાં સ્વચ્છતાના સુધારા ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા આદેશ અપાયો હતો.

આ કાર્યવાહીના બીજા દિવસે પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા બેડેશ્વર અને રણજીતસાગર રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું. બેડેશ્વર સ્થિત સ્ટાર ચીકન શોપમાં એફએસએસએઆઈના નિયમોના ભંગ અને લાયસન્સ ન હોવાને કારણે પેઢીને સીલ કરી દેવામાં આવી હતી. આ સાથે જ હર્ષદ મિલ ચાલી અને રણજીતસાગર રોડ પર આવેલી ફેમસ ગાઝી ચાઇનીઝ ચીકન તેમજ નશીબ ફિશ જેવી પેઢીઓમાં હાઇજેનિક કન્ડિશન સુધારવાનો આદેશ આપી જ્યાં સુધી નવો હુકમ ન મળે ત્યાં સુધી તે બંધ કરાવાઈ હતી.

આ તપાસ દરમિયાન હાજીપીર રેસ્ટોરન્ટ, બોમ્બે એ-વન અને ન્યુ બોમ્બે બિરયાની સહિતના સ્થળોએથી ચિકન બિરયાની, મટન, ચિકન અને રાઇસ જેવા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ન્યુ બોમ્બે બિરયાનીમાંથી અસ્વચ્છ સ્થિતિ અને ખુલ્લા જણાતા રાઇસનો નાશ પણ કરાયો હતો.

આમ, જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને પ્રજાના આરોગ્ય સાથે ખેલ કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande