નવસારીના વડીલોની અનોખી પહેલ: મીઠાઈ-ફરસાણના વેચાણથી શાળાઓને મળશે મદદ, ધમડાછાની શાળાને રૂ. 7 લાખની સહાય
નવસારી, 01 નવેમ્બર (હિ.સ.): નવસારીના પટેલનગર સ્થિત સિનિયર સિટીઝન ટ્રસ્ટના વડીલો નિવૃત્તિ બાદ પણ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે ટ્રસ્ટના સભ્યો જાતે મીઠાઈ અને ફરાળ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. આ વર્ષે અંદાજે
Sale of Sweets and Savories


નવસારી, 01 નવેમ્બર (હિ.સ.): નવસારીના પટેલનગર સ્થિત સિનિયર સિટીઝન ટ્રસ્ટના વડીલો નિવૃત્તિ બાદ પણ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે ટ્રસ્ટના સભ્યો જાતે મીઠાઈ અને ફરાળ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. આ વર્ષે અંદાજે 1,200 કિલો ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેમાં 600 કિલો મીઠાઈ અને 600 કિલો વિવિધ પ્રકારના ફરસાણનો સમાવેશ થાય છે. વેચાણમાંથી મળતી આવક અને દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ શાળાઓને આર્થિક મદદ કરવામાં આવે છે.

તાજેતરમાં આવેલા પૂરના કારણે ધમડાછાની એક શાળામાં પાણી ભરાતાં સંગીતનાં સાધનો અને શૈક્ષણિક સામગ્રીને નુકસાન થયું હતું. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ટ્રસ્ટે શાળાના સમારકામ અને નવાં સંગીત સાધનોની વ્યવસ્થા માટે આશરે રૂ. 7 લાખની સહાય એકત્ર કરી હતી. ટ્રસ્ટના સભ્યોએ સ્વૈચ્છિક ફાળો આપીને ટૂંકા સમયમાં આ રકમ એકત્ર કરી હતી. ટ્રસ્ટની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી અને હાલમાં તેમાં 648 જેટલા સક્રિય સભ્યો જોડાયેલા છે.

આ ટ્રસ્ટની વિશેષતા એ છે કે તેમાં નિવૃત્ત ડોક્ટરો, એન્જિનિયરો અને વિવિધ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી ચૂકેલી વ્યક્તિઓ સેવાકાર્યમાં સક્રિય છે. દિવાળીની ઉજવણીની સાથે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને શાળાઓના વિકાસને પ્રાથમિકતા આપતા આ વડીલો જરૂર પડ્યે પોતાના ખિસ્સામાંથી પણ રકમ ખર્ચીને સેવાકાર્ય ચાલુ રાખે છે. નિવૃત્તિ પછી પણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા આ વડીલોની પહેલ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande