
ભાવનગર, 01 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે એનસીસીના એરફોર્સ, આર્મી અને નેવીના કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી દેશસેવા અને સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા સૂર્યકિરણ એર શો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. બોરતળાવ ખાતે યોજાયેલા હવાઈ પ્રદર્શનને મોટી સંખ્યામાં નગરજનોએ નિહાળ્યું હતું. વાયુસેનાના પાયલટ્સના અદભુત હવાઈ કરતબોએ લોકોમાં રાષ્ટ્રગૌરવની લાગણી જગાવી હતી. તેમણે એર શોની સફળતા બદલ વાયુસેનાના જવાનો, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંવાદ દરમિયાન પાયલટ્સે વિદ્યાર્થીઓને વાયુસેનાની કામગીરી, અગ્નિવીર તરીકે જોડાવાની પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત તથા ધોરણ-12 બાદ એનડીએ મારફતે અધિકારી બનવાની તકો વિશે સમજાવ્યું હતું. સ્નાતક થયા બાદ પણ વિવિધ પ્રવેશ યોજનાઓ દ્વારા સશસ્ત્ર દળોમાં જોડાઈ શકાય છે તેવી માહિતી આપી હતી. મહિલા ઉમેદવારો માટે પણ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તકો ઉપલબ્ધ હોવાનું જણાવી યુવતીઓને પ્રોત્સાહિત કરી હતી.
વિદ્યાર્થીઓએ વિમાનચાલન દરમિયાન સલામતી, પાયલટ્સ વચ્ચે સંકલન, કટોકટીની પરિસ્થિતિ, ગરુડ કમાન્ડો તાલીમ સહિતના વિષયો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. અધિકારીઓએ સંતોષકારક જવાબો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી.
કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા, કુલપતિ ભરત રામાનુજ, ભાવેશભાઈ જાની, એમ.જે. કોલેજના આચાર્ય દિલીપભાઈ જોષી સહિત એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA