ભાવનગરના આકાશમાં સૂર્યકિરણ એર શોની ભવ્ય કરતબબાજી: નવ હોક વિમાનોએ ત્રિરંગાની રંગછટા સાથે સર્જ્યો રોમાંચ
ભાવનગર,01 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવેણાવ
એર શો યોજાયો


ભાવનગર,01 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટી પડ્યા હતા.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મેયર ઉષાબેન તલરેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાની અદભુત હવાઈ કળાનું પ્રદર્શન કર્યું હતું.

એર શો દરમિયાન નવ લાલ અને સફેદ રંગનાં હોક એમકે-132 જેટ વિમાનોએ એકસાથે આકાશમાં ઉડાન ભરી હતી. વિમાનોએ વિવિધ આકર્ષક ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ અને વિંગટિપ-ટુ-વિંગટિપ જેવા રોમાંચક કરતબો રજૂ કરતાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

આકાશમાં વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડા દ્વારા ત્રિરંગાની ભવ્ય છટા ઉપસાવી હતી. આશરે 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ પ્રદર્શને દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી જગાવી હતી.

કાર્યક્રમના પ્રારંભે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા 30 મિનિટની દેશભક્તિ સભર સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બેન્ડના સભ્યોનું સન્માન પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્યો સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande