જામનગર નજીક ખીમરાણા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, ચાલકની અટકાયત
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામના બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકિંગ દરમિયાન પંચકોશી-એ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂ, બિયર અને ટ્રક સહિત કુલ રૂ. 10.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક
દારૂ


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામના બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકિંગ દરમિયાન પંચકોશી-એ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂ, બિયર અને ટ્રક સહિત કુલ રૂ. 10.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકની અટકાયત કરી છે.

પોલીસ સ્ટાફ ખીમરાણા બસ સ્ટેન્ડ પાસે ચેકિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. સાંજના સમયે બાતમી મુજબનો ટ્રક પસાર થતાં જ પોલીસે તેને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટ્રકની કેબિનમાં ડ્રાઇવરની સીટ નીચેથી પ્લાસ્ટિકનું બાચકું મળી આવ્યું હતું. તેમાંથી મધ્યપ્રદેશ બનાવટની વિદેશી દારૂની 14 બોટલ, 83 ચપટા અને બિયરના 11 ટીન મળી આવ્યા હતા. આ જથ્થા અંગે ટ્રકચાલક પાસે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે રૂ. 17,500ની કિંમતનો દારૂ-બિયર અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો રૂ. 10 લાખની કિંમતનો ટ્રક (GJ-10-TX-5838) કબજે કર્યો છે. આ મામલે ધરારનગર-2 વિસ્તારમાં રહેતા જુમા ગુલમામદ નાયાણી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande