
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રાત્રિના સમયે તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતાં 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108ની ટીમની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચી ગયો હતો, જેનાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મોટી ખાવડી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય શીલા દેવી રિતેશકુમાર સિંહને રાત્રિના સમયે અચાનક ઉપડેલી તીવ્ર પ્રસૂતિ પીડાના કારણે તબિયત લથડી હતી. સ્થિતિ ગંભીર જણાતાં પરિવારે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ સમર્પણ ચોકડી લોકેશન પર તૈનાત 108 એમ્બ્યુલન્સના ઈએમટી દીપ્તિ મારૂ અને પાયલોટ રાજેશ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સ્થળ પર તપાસ કરતા મહિલાની હાલત વધુ નાજુક હોવાનું જણાયું હતું અને હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થાય તેમ હતો. આવી કટોકટીની પરિસ્થિતિમાં ઈએમટી દીપ્તિ મારૂએ ત્વરિત નિર્ણય લઈને એમ્બ્યુલન્સમાં જ જરૂરી તબીબી સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં સંપૂર્ણ સાવચેતી અને સુરક્ષા સાથે મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.
108ની ટીમની ત્વરિત કામગીરી અને ફરજ નિષ્ઠાના પરિણામે માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. એનમરજન્સીના સમયે દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરિવારજનોએ 108 સ્ટાફની કામગીરીની સરાહના કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt