રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો, 1000થી વધુ વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ
અપૂર્વમુનિસ્વામીએ કહ્યું-વિદેશી નાગરિકો ભારતીય પરંપરા સાથે જોડાતા શાકાહારી વાનગીઓનું મહત્વ વધ્યું રાજકોટ,10 નવેમ્બર (હિ.સ.) સમગ્ર દેશ તેમજ દુનિયાભરમાં દિવાળી અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા
Rajkot BAPS Swaminarayan Temple's Annakut Mahotsav with over 1000 dishes


- અપૂર્વમુનિસ્વામીએ કહ્યું-વિદેશી નાગરિકો ભારતીય પરંપરા સાથે જોડાતા શાકાહારી વાનગીઓનું મહત્વ વધ્યું

રાજકોટ,10 નવેમ્બર (હિ.સ.) સમગ્ર દેશ તેમજ દુનિયાભરમાં દિવાળી અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ નૂતન વર્ષના પ્રારંભે દેશભરના પ્રત્યેક મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવે છે અને ભગવાનને ભાવપૂર્વક વિવિધ વાનગીઓનો થાળ ધરવામાં આવે છે.

આ જ પરંપરાને અનુસરીને રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નવા વર્ષની શરૂઆત અત્યંત ભવ્ય અને દિવ્ય અન્નકૂટ દર્શન સાથે કરવામાં આવી હતી.

આ વિશેષ અવસરે મંદિરમાં જુદી-જુદી 1000 કરતાં વધુ અતિ આકર્ષક અને શુદ્ધ શાકાહારી વાનગીઓ ભગવાન સમક્ષ ધરવામાં આવી હતી, જેના અલૌકિક દર્શન કરી હરિભક્તો ધન્ય બન્યા હતા.

મૂકબધિર આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધ-અપંગ આશ્રમ તેમજ રાજકોટની સેન્ટ્રલ જેલ સુધી આ પવિત્ર પ્રસાદ પહોંચાડાશે.

આ ભવ્ય આયોજન વિશે અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું કે, વિક્રમ સંવત 2083ના વર્ષના આ પ્રથમ દિને સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રત્યેક મંદિરોમાં ભગવાન સમક્ષ વિવિધ થાળ અને અન્નકૂટ ધરાવવામાં આવે છે.

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 55 કરતાં અધિક દેશોમાં આજ રોજ અત્યંત ભવ્ય અને દિવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક આયોજનોનું એક મોટું આકર્ષણ એ છે કે, ભારતીયોની સાથે-સાથે વિદેશી નાગરિકો પણ આપણી આ પ્રાચીન ભારતીય પરંપરાથી પરિચિત થઈ રહ્યા છે અને પ્રભાવિત થઈને સાત્વિક શાકાહારી વાનગીઓ તથા જીવનશૈલી તરફ આકર્ષાઈ રહ્યા છે.

અપૂર્વમુનિસ્વામીએ વધુમાં ઉમેર્યું કે, રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તોના અતૂટ સમર્પણ અને ભક્તિભાવથી અદ્ભુત વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. આ અન્નકૂટમાં આશરે 150 પ્રકારના મિષ્ટાન્ન, 125 પ્રકારના ફરસાણ, 85 જેટલી વિવિધ બેકરી આઈટમ્સ, 87 જેટલા તાજા જ્યુસ, આઈસ્ક્રીમ, કેન્ડી, શ્રીખંડ અને અથાણાં સહિત કુલ 1000 કરતાં વધારે વાનગીઓનો સમાવેશ થાય છે.

આ પ્રકારના વિશાળ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં સંસ્કાર સિંચવાનો છે. આવા ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા આપણાં યુવાનો અને વિશેષ કરીને દીકરીઓ રસોઈ કળા તથા સેવા કાર્ય શીખે છે, જેનાથી આપણી આગામી નવી જનરેશન સાચી દિશામાં ભક્તિભાવ સાથે કેળવાય છે.

મહોત્સવ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન અને પ્રેરણાઓ દર્શાવતું એક સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે.

આ ભવ્ય અન્નકૂટનો પ્રસાદ માત્ર મંદિર પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ રાજકોટ શહેરના હજારો ઘરો ઉપરાંત આસપાસના જિલ્લાના ગામોગામ, મૂકબધિર આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધ-અપંગ આશ્રમ તેમજ રાજકોટની સેન્ટ્રલ જેલ સુધી આ પવિત્ર પ્રસાદ પહોંચાડવામાં આવે છે, જેથી સમાજના દરેક વર્ગના લોકો આ ઉત્સવના આનંદમાં ભાગીદાર બની શકે. આટલા વિશાળ આયોજનની તૈયારીઓ કોઈ એક દિવસની નથી, પરંતુ છેલ્લા એક મહિના કરતાંય વધુ સમયથી મંદિરની સાફ-સફાઈથી લઈને અન્નકૂટ માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી.

આજરોજ સવારના પાંચ વાગ્યાથી જ સેંકડો હરિભક્તો અન્નકૂટની વિવિધ વાનગીઓ સુંદર રીતે ગોઠવવામાં, તેમજ દર્શન વ્યવસ્થા સંભાળવામાં સક્રિયપણે જોડાઈ ગયા હતા.

મંદિર દ્વારા આયોજિત આ વિવિધ સેવાઓમાં હરિભક્તો છેલ્લા એક મહિનાથી સતત તન-મનથી સેવારત રહ્યા છે, જે તેમની ઉત્કટ ભક્તિ અને સેવાભાવની પ્રતીતિ કરાવે છે. આ પ્રકારે હરિભક્તોના સહયોગથી તૈયાર થયેલ અન્નકૂટ મહોત્સવ રાજકોટવાસીઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું એક મોટું કેન્દ્ર બની રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande