
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2082ને વિદાય આપી ચાણસ્મા શહેરમાં નવા વર્ષ વિ.સં. 2083નું હર્ષોલ્લાસ અને ધાર્મિક આસ્થા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બેસતા વર્ષના પાવન દિવસે વહેલી સવારથી જ નવા રામજી મંદિર, વારાહી માતાજી મંદિર અને અન્ય દેવસ્થાનોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી નવા વર્ષમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
નવા રામજી મંદિરે નગરજનોએ પરિવારજનો અને વડીલોને મળી આશીર્વાદ મેળવ્યા હતા. એકબીજાને 'જય શ્રીકૃષ્ણ' અને 'રામ રામ' કહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેસતા વર્ષ નિમિત્તે નવા રામજી મંદિર, વારાહી માતાજી મંદિર તથા જુના સુથારવાસ સ્થિત મૃત્યુંજય મહાદેવ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, ચાણસ્માના રૂપપુર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાળકો અને પરિવારો તળાવ તથા બગીચામાં ઉમટતાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આમ, નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ચાણસ્મા શહેરમાં ધાર્મિક ઉત્સાહ, પરિવાર મિલન, વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓની આપ-લે સાથે આનંદમય વાતાવરણ છવાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ