
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા સદગુરુ બાલક સાહેબ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ધાર્મિક માહોલમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને વાનગીઓનો ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે મહાઆરતી અને દીપોત્સવનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શનનો લાભ લીધો હતો.
અન્નકૂટ મહોત્સવમાં સમી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિર્મલકુમાર પઢિયાર તથા સમી વેપારી એસોસિએશનના પ્રમુખ ભીખાલાલ એમ. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતીમાં સહભાગી બની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે તેમણે નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદ સાથે કરી હતી અને સમગ્ર વિસ્તારના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય અને આવનારું વર્ષ સૌના માટે મંગલમય બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ