વડોદરા અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, 1200 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ
વડોદરા, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના શુભ પ્રારંભે વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત ભક્તિભાવ અને અત્યંત ઉત્સાહપૂર્વક ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ ત
Annakut festival Atladara BAPS Swaminarayan Temple


વડોદરા, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના શુભ પ્રારંભે વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત ભક્તિભાવ અને અત્યંત ઉત્સાહપૂર્વક ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ તેમજ ગોવર્ધન પૂજા દર્શનનો લ્હાવો લીધો હતો.

સ્વામિનારાયણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી.

સનાતન હિન્દુ સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલી અનુસાર બેસતા વર્ષના પવિત્ર દિવસે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવાનો વિશેષ મહિમા રહેલો છે. આ મનોહર પરંપરાને અનુસરીને સવારે વિધિવત રીતે ગોવર્ધન પૂજા સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્ય સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી અને ભગવાન સમક્ષ કુલ 1200 જેટલી વિવિધ વાનગીઓનો શાનદાર અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ભવ્ય અન્નકૂટમાં 164 પ્રકારની નયનરમ્ય મીઠાઈઓ, 246 પ્રકારના સ્વાદિષ્ટ ફરસાણ, અંદાજે 200 પ્રકારના દેશી-વિદેશી શાકભાજી તથા 100 જેટલી વિવિધ બેકરી આઈટમો સહિત અનેકવિધ અવનવા વ્યંજનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આકર્ષક રીતે શણગારેલી વાનગીઓની આ મનોરમ ઝાંખી દર્શાવાતા અન્નકૂટે સ્થળ પર હાજર સૌ કોઈ ભાવિક ભક્તોનું ધ્યાન વિશેષ રૂપે આકર્ષિત કર્યું હતું.

આ વિશાળ અને શિસ્તબદ્ધ અન્નકૂટનું આયોજન છેલ્લા 15 દિવસની સતત અને અથાક મહેનતનું પરિણામ હતું. સંસ્થાની મહિલા હરિભક્તો દ્વારા દિવસ-રાત પરિશ્રમ કરીને તમામ વાનગીઓ અત્યંત સ્વચ્છતા અને ભક્તિભાવપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. અન્નકૂટના દિવસે સવારે રસોડામાંથી માત્ર દોઢ કલાકના ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ તમામ 1200 વાનગીઓ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં લાવી ભગવાનની મનોહર પ્રતિમાઓ સમક્ષ કલાત્મક રીતે ગોઠવવામાં આવી હતી.

આ સમગ્ર સજાવટ અને વ્યવસ્થાપનની કામગીરી પૂજ્ય સંત ભગવંતોના માર્ગદર્શન હેઠળ યુવા વર્ગ એટલે કે ઝેન ઝી (Gen Z)ના યુવાનોએ ખૂબ જ ઉત્સાહ અને સક્રિયતાપૂર્વક સંભાળી હતી. સમગ્ર દિવસ દરમિયાન અટલાદરા મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. અન્નકૂટના અલૌકિક દર્શન કરીને ભાવિકોએ નૂતન વર્ષનો પ્રારંભ ભગવાનના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીને કર્યો હતો અને દર્શનનો લહાવો લઈ આત્મિક ધન્યતા અનુભવી હતી.

મહંત ડો.જ્ઞાન વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, રાજા વિક્રમાદિત્યએ નૂતન વર્ષની શરૂઆત કરાવી હતી તેથી તેને વિક્રમ સંવત તરીકે ઉજવવામાં આવે છે. તેઓએ યુવાપેઢી જોગ સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજની યુવાપેઢીએ રાજા વિક્રમાદિત્ય પાસેથી શીખવાની જરૂર છે. કુશળ શાસન, પ્રજા વાત્સલ્ય તેમજ દરેક જીવ પ્રત્યે આદર ભાવ રાખવો આવશ્યક છે. ડો. જ્ઞાન વત્સલ સ્વામીએ તમામને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી આવનાર વર્ષ તમામ માટે સારું રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande