
ખખડેલી બોટો, સડેલા લાઈફ જેકેટ અને ડેવલોપમેન્ટના અભાવે ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓની સંખ્યા ઘટી
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.)
રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ નવી એસઓપી (SOP) સાથે બોટીંગ સુવિધાઓ પુનઃ શરૂ થઈ રહી છે, ત્યારે રાજકોટ સ્થિત જાણીતા ઈશ્વરીયા પાર્કમાં બોટીંગ સેવાઓ હજુ પણ ઠપ્પ પડી છે. અમદાવાદના કાંકરીયા તળાવ બાદ વિશ્વ પ્રસિદ્ધ નળસરોવરમાં પણ 1 ડિસેમ્બરથી નવી બોટો સાથે પ્રવાસીઓ માટે બોટીંગ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. બીજી તરફ, રાજકોટની ભાગોળે આવેલા 77 એકરમાં ફેલાયેલા ઈશ્વરીયા પાર્કના લેકમાં બોટીંગ શરૂ કરવા અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી.
વર્ષ 2008માં ઉદ્ઘાટન પામેલા આ પાર્કમાં રહેલી તમામ 15 બોટો હાલ સંપૂર્ણપણે કંડમ અને ખખડેલી હાલતમાં ફેરવાઈ ગઈ છે. હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જળાશયોમાં બોટીંગ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદના કાંકરીયા તળાવમાં 350થી વધુ લાઈફ જેકેટ, સીસીટીવી અને 24 કલાક મેડિકલ સુવિધા સાથે સ્પીડ બોટ, શિકારા અને પેડલ બોટ જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. નળસરોવર અભયારણ્યમાં પણ વન વિભાગ દ્વારા 200 નવી બોટો ફાળવીને સુવિધા સજ્જ કરવામાં આવી રહી છે, પરંતુ ઈશ્વરીયા પાર્કમાં આવી કોઈ તૈયારી દેખાતી નથી.
ઈશ્વરીયા પાર્કની વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર છે. સલામતી માટે રખાયેલા લાઈફ જેકેટ સડીને ચીંથરેહાલ થઈ ગયા છે અને તળાવમાં પાણીનું સ્તર પણ નહિવત બચ્યું છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ બોટીંગ શરૂ કરવા માટે નવી બોટો વસાવવી, નવા લાઈફ જેકેટ લાવવા અને નવેસરથી કોન્ટ્રાક્ટ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે. આ કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચની જરૂરિયાત હોવાથી અને યોગ્ય જાળવણીના અભાવે હાલ પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
પાર્કની વિશેષતાઓની વાત કરીએ તો અહીં ઈશ્વરીય મહાદેવનું મંદિર, વોકિંગ તથા જોગિંગ ટ્રેક, બાળકો માટે રમતનું મેદાન અને આકર્ષક મ્યુઝિકલ ફુવારા આવેલા છે. પરિવાર સાથે પિકનિક મનાવવા માટે જાણીતા આ સ્થળના વિકાસ માટે ભૂતકાળમાં વહીવટીતંત્ર દ્વારા પાર્ટી પ્લોટ સહિતના વિવિધ ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં આ તમામ ડેવલોપમેન્ટ યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે અને હાલ આ યોજનાઓ અભેરાઈએ ચડી ગઈ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
રાજકોટના નાગરિકો અને સહેલાણીઓ માટે ઈશ્વરીયા પાર્ક એક મહત્વનું મનોરંજન સ્થળ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાર્કના સંકલિત વિકાસ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તે અનિવાર્ય છે. સુરક્ષાની એસઓપીનું પાલન કરીને નવી બોટો ખરીદવામાં આવે, યોગ્ય કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને પાર્કની સુવિધાઓ સુધારવામાં આવે તો જ આ રમણીય સ્થળનો પૂર્વવત ભવ્યતા પાછી મેળવી શકાશે અને પ્રવાસીઓનો ઘસારો ફરી વધારી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt