
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બે સગા ભાઈઓએ ઉશ્કેરાઈને પિતા-પુત્ર પર છરી અને લાકડાના વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવમાં બંને ભાઈઓની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતો અનુસાર, મારૂતીનંદનનગર શેરી નંબર 3 માં આવેલા બાપા સીતારામ ચોક પાસે દિવાળીના દિવસે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં ફરિયાદી કૃણાલભાઈ પોતાના ઘરે પર ફરી રહ્યા હતા. તે દરમિયાન ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના બે સગા ભાઈઓ ફટાકડા ફોડી રહ્યા હતા. તે વેળાએ ઇન્દ્રજીતસિંહે એક સળગતો ફટાકડો કૃણાલ પર ફેંક્યો હતો. કૃણાલે આ બાબતે પૂછપરછ કરતાં બંને ભાઈઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. જોકે, આસપાસના લોકો વચ્ચે પડતાં તે સમયે મામલો શાંત પડી ગયો હતો અને કૃણાલ પોતાના ઘરે જતા રહ્યા હતા.
પ્રથમ બનાવ બાદ મામલો શાંત થયાનું લાગતું હતું પરંતુ રાત્રિના અસમાજિક વાતાવરણ વચ્ચે આ બોલાચાલીની અદાવત ચાલુ રહી હતી. મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના સુમારે બંને આરોપીઓ યશરાજસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા ફરીથી ફરિયાદી કૃણાલ સિંધવના ઘરની ડેલી પાસે પહોંચ્યા હતા. આરોપીઓએ ઘાતક ઇરાદા સાથે ડેલી પર પથ્થરમારો કર્યો હતો, મોટા અવાજે ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. ઘરની બહાર અવાજ સાંભળીને કૃણાલ અને તેમના પિતા અજીતભાઈ સિંધવ ડેલી ખોલીને બહાર આવ્યા હતા.
ચોક પાસે પહોંચતા જ પરિસ્થિતિ વધુ હિંસક બની ગઈ હતી. આરોપી યશરાજસિંહે ઉશ્કેરાઈને લાકડાનો ટુકડો ઝૂંટવી લીધો હતો અને અજીતભાઈના માથાના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર કૃણાલ બચાવ કરવા માટે વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન આરોપી ઇન્દ્રજીતસિંહે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને કૃણાલ ઉપર પેટના તથા વાંસાના ભાગે આડેધડ ઘા મારી દીધા હતા. વળી, વચ્ચે પડેલા પિતા અજીતભાઈને પણ આરોપીઓએ પેટ અને વાંસાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી દીધા હતા.
ઘટનાને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન ઇજાઓ ગંભીર હોવાથી અજીતભાઈ સિંધવનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર કૃણાલની સારવાર હાલ ચાલુ છે. આ ઘટના અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બંને આરોપી ભાઈઓ યશરાજસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાની ધરપકડ કરી કાયદેસરની આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt