રાજકોટમાં PSI પુત્રની દાદાગીરી: ફટાકડા ફોડવા બાબતે મહિલા વેપારીની દુકાન પર પથ્થરમારો
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના એરપોર્ટ ફાટક નજીક દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પીએસઆઇના પુત્ર હોવાની ઓળખ આપી એક શખ્સે મહિલા વેપારી સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી. ત્યારબાદ પોતાના સાગરીતો સાથે આવી મોબાઇલની દુકાન પર પથ્થરમારો
ફરિયાદ


રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના એરપોર્ટ ફાટક નજીક દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પીએસઆઇના પુત્ર હોવાની ઓળખ આપી એક શખ્સે મહિલા વેપારી સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી. ત્યારબાદ પોતાના સાગરીતો સાથે આવી મોબાઇલની દુકાન પર પથ્થરમારો કરી ઝપાઝપી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ એરપોર્ટ ફાટક પાસે મોબાઇલની દુકાન ધરાવતા ગુંજનબેન ગણાત્રા દિવાળીની રાત્રે આશરે બે વાગ્યાના સુમારે પોતાના કર્મચારીઓ અને પાર્ટનર અનીકેત ખખ્ખર સાથે દુકાન બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે સફેદ એક્ટિવા પર આવેલા શખ્સે રોડ પર ફટાકડા કેમ ફોડો છો તેમ કહી બોલાચાલી કરી હતી. બાદમાં પોતે અભિજીત પરમાર અને પીએસઆઇનો છોકરો હોવાનું કહી રોફ જમાવ્યો હતો.

ત્યારબાદ આશરે સવા બે વાગ્યાના સુમારે અન્ય એક શખ્સ ત્યાં આવી જૂની બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન ધ્રુવ રાવલ સાથે ઝપાઝપી શરૂ થઈ હતી. તે જ સમયે અભિજીત પરમાર અને કામિલ સંધિ નામના શખ્સો પાછા આવ્યા હતા અને દુકાન પર પથ્થર તથા ફૂટપાથના બ્લોકના ઘા મારી તોડફોડ કરી હુમલો કર્યો હતો.

બનાવ સમયે પીડિત પક્ષ દ્વારા 112 જનરક્ષક હેલ્પલાઇન પર સતત ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ કોલ વ્યસ્ત આવતો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થયેલી 112ની એક ગાડી પણ ઘટનાસ્થળે ઊભી રહી ન હતી. પાછળથી પિસીઆર વાન પહોંચતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જ્યારે ગુંજનબેન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે આરોપીઓએ ફરી આવી દુકાન પર પથ્થરમારો કર્યો હતો.

આ સમગ્ર મામલે ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અભિજીત પરમાર, કામિલ સંધિ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પુત્ર હોવાની ઓળખ આપી સામાન્ય જનતા પર રોફ જમાવનાર અને દાદાગીરી કરનાર આ તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે દુકાન અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande