


ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પવિત્ર પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ સ્થિત ત્રિમંદિરની મુલાકાત લઈને શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં બિરાજમાન સીમંધર સ્વામી સહિત વિવિધ દેવી-દેવતાઓનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત નીરૂમાં તથા દાદા ભગવાન સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેમજ ગુજરાત રાજ્ય સતત પ્રગતિના નવા શિખરો સર કરતું રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. રાજ્યના દરેક નાગરિકનું જીવન સુખમય બને, સમાજમાં પરસ્પર પ્રેમ, સદભાવના અને સંવાદિતાની ભાવના વધુ મજબૂત બને તથા ગુજરાત વિકાસની અવિરત યાત્રામાં નવી ઊંચાઈઓ હાંસલ કરતું રહે તેવી ભાવના સાથે તેમણે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. સૌને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફળતાનો સંચાર થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ત્રિમંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાના કલ્યાણ અને રાજ્યની સર્વાંગી પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ