
અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી તથા અન્ય દેવ દેવીઓના દર્શન પૂજન કર્યા હતાં, તેમજ નીરૂમાં અને દાદા ભગવાન સમક્ષ શીશ ઝુકાવી સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયી શ્રદ્ધાળુઓને પણ મળ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદના નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઊમટી પડ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરદેવી માઁ ભદ્રકાળીના દર્શન કર્યા હતા.
વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, નવા વર્ષમાં દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. વધુમાં મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના સંકલ્પ સાથે સૌ નાગરિકોને સાથે મળીને આગળ વધવાની અપીલ પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ