
અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં આજે નવા વર્ષની શરૂઆયાત વહેલી સવારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સીઝનલ અને ફટાકડા માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કાચા મંડપ ઊભા કરી અને એક સાથે લાઈનમાં બનાવવામાં આવેલા અલગ-અલગ ચીજ વસ્તુઓના સ્ટોલ અને ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ લાગી હતી.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ, નરોડા, ગોમતીપુર સહિતના ફાયર સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી.
ફટાકડા વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગથી ફટાકડા ફૂટી અને રોડ ઉપર તેમજ સામેની દુકાનોમાં જઈ રહ્યા હતા, જેથી અન્ય જગ્યાએ પણ આગ લાગવાની શક્યતા વધી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર આવેલી ઉમા સ્કૂલની સામે કાચા મંડપ ઊભા કરી ફળ, ડ્રાયફ્રુટ, ચંપલ, ફૂલો અને ફટાકડા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલ લાગેલા હતા. કાચા મંડપના સ્ટોલની આગળના ભાગે પણ ફટાકડાના નાના સ્ટોલ અને લારીયો ઉભી રાખવામાં આવેલી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ટોલમાં આગ લાગવાની ઘટના બની હતી.
એક સ્ટોલમાં આગ લાગી ત્યારબાદ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આજુબાજુના તમામ સ્ટોલમાં આગ લાગવા લાગી હતી. ફટાકડાના સ્ટોલ સુધી આગ પહોંચી ગઈ હતી.
ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાની સાથે જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને રોકેટ તેમજ સ્કાય શોટ જેવા ફટાકડા ઉડીને આખા રોડ ઉપર તેમજ સામેના ભાગે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા. રોડ ઉપર વહેલી સવારે પસાર થતા લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી.
સ્ટોલના આગળના ભાગે પણ નાના ફટાકડાના જે સ્ટોલ લગાવેલા હતા, તેમાં આગ લાગતા વધુ ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ, ગોમતીપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમો દ્વારા બંને તરફ પાણીનો મારો ચલાવી આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી.
કાચા મંડપ ઊભા કરી અને જાહેર રોડ ઉપર સ્ટોલ લગાવી અને ફટાકડાનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ નિકોલ વિસ્તારમાં જાહેર રોડ ઉપર સિઝનલ માર્કેટમાં સ્ટોલ ઉભા કરી દીધા હતાં, જેના કારણે વધારે આગ ફેલાઈ હતી.
માત્ર નિકોલ જ નહીં શહેરના તમામ વિસ્તારોમાં આવા ફટાકડાના જાહેરમાં સ્ટોલ લાગ્યા હતાં તેમ છતાં પણ શહેર પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં નાના વેપારીઓને વેપાર કરવા દેવાના નામે રોડ ઉપર જીવનું જોખમ ઊભું કરવામાં આવે છે અને પોલીસ તેમજ સ્થાનિક તંત્ર લોકોના જીવને જોખમમાં મુકવાની પરવાનગી આપી દે છે. નિકોલ વિસ્તારમાં વહેલી સવારે આગ લાગી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ