સોમનાથમાં દિપાવલી પર ભવ્ય ઓનલાઇન લક્ષ્મી મહાપૂજા:26 પ્રદેશોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા
સોમનાથ, 10 નવેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે દિપાવલી પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઓનલાઇન લક્ષ્મી મહાપૂજા અને ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી યોજાયેલી આ વિશેષ પૂજામાં ભારતનાં 21 રાજ્ય
સોમનાથ મંદિર ખાતે ઓનલાઈન ચોપડા પૂજન


સોમનાથ, 10 નવેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે દિપાવલી પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઓનલાઇન લક્ષ્મી મહાપૂજા અને ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી યોજાયેલી આ વિશેષ પૂજામાં ભારતનાં 21 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અમેરિકા સહિત કુલ 26 ભૌગોલિક પ્રદેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્ય બન્યા હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દિપાવલીના પવિત્ર અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ માધ્યમથી ગણેશ-લક્ષ્મી પૂજન, લેખની તેમજ રોજમેળ (ચોપડા) પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ આધુનિક પહેલ થકી દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી જ સોમનાથ તીર્થ સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શક્યા હતા અને પર્વની દિવ્યતા અનુભવી હતી.

શ્રી સોમનાથ ટ્રસ્ટના આ ડિજિટલ ધાર્મિક આયોજનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. નોંધણી કરાવનારા શ્રદ્ધાળુઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત ૨૧ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી પણ ભક્તોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. આમ, કુલ 26 ભૌગોલિક ક્ષેત્રો સુધી સોમનાથની આ ધાર્મિક પહેલનો વ્યાપ પહોંચ્યો હતો.

શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વસુધૈવ કુટુંબકમ્'ના વિઝન હેઠળ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી આધુનિક ટેક્નોલોજી દ્વારા ભક્તોને ઉત્તમ ધાર્મિક અનુભૂતિ કરાવવા કાર્યરત છે. આ પ્લેટફોર્મ મારફતે રોજગાર કે અભ્યાસ અર્થે વતનથી દૂર રહેતા યુવા પરિવારો માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે સામૂહિક લક્ષ્મી પૂજન સંપન્ન કરવાનો વિશેષ અવસર ઉપલબ્ધ બન્યો હતો.

પૂજન દરમિયાન સોમનાથના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રી યંત્ર, માં લક્ષ્મી, શ્રી ગણેશ, લેખની અને યજમાનોના રોજમેળનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. નવું વિક્રમ સંવત સૌના માટે કલ્યાણકારી નીવડે તેવી પ્રાર્થના કરાઈ હતી. પૂજન બાદ તમામ શ્રદ્ધાળુઓને અભિમંત્રિત શ્રી યંત્ર, રોજમેળ, રક્ષાસૂત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ સહિતની પ્રસાદી ટપાલ કે કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે.

પરંપરાગત ધાર્મિક મૂલ્યોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે જાળવી રાખવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યો છે. આ ભવ્ય આયોજને સાબિત કર્યું છે કે આસ્થા અને ભક્તિ ભૌગોલિક સીમાઓથી પર રહીને લોકોને એકસૂત્રે બાંધી શકે છે, જેને દેશ-વિદેશના ભાવિકોએ વ્યાપકપણે આવકાર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande