જામનગર મહાનગરપાલિકા દ્વારા ₹35.40 કરોડના વિકાસ કામોને મંજૂરી નાગમતી નદી ઉપર ફોરલેન બ્રીજ બનશે
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કુલ રૂ. 35.40 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના વિવિધ વોર્ડમા
કોર્પોરેશન


જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કુલ રૂ. 35.40 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના વિવિધ વોર્ડમાં રસ્તા, ગટર, પાણી પુરવઠો અને ટ્રાફિક વ્યવસ્થા જેવા મહત્વના ક્ષેત્રોમાં મોટો સુધારો જોવા મળશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધિરેન મોનાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ કેર અને કમિશનર દિપેશ કેડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રૂ. 11.25 કરોડના ખર્ચની દરખાસ્તોને સીધી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રૂ. 24.15 કરોડના ખર્ચ ધરાવતા મોરકંડા ગામ તરફના નાગમતી નદી પરના હયાત કોઝ-વેને તોડીને તેના સ્થાને નવો ફોર-લેન રિવર બ્રિજ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.

વિવિધ વોર્ડમાં માળખાકીય અને ગટર સુવિધાઓનું વિસ્તરણ

શહેરના વિવિધ વોર્ડમાં ટ્રાફિક વર્ક, ગાર્ડન વિકાસ, કેનાલ, બ્રિજ અને બિલ્ડિંગ કામો માટે અલગ-અલગ ભંડોળ મંજૂર કરાયું છે. વોર્ડ નં. 15 માં લોકભાગીદારીથી સીસી રોડ અને બ્લોકના કામો માટે રૂ. 200 લાખ મંજૂર કરાયા છે. શહેરના જુદા જુદા વોર્ડમાં ભૂગર્ભ ગટરની વાર્ષિક સફાઈ અને મશીનરીના કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગટર અને પાણી પુરવઠા માટે લાઈન પાથરવાના મજૂરી કામોને પણ બહાલી અપાઈ છે.

આરોગ્ય, પાણી પુરવઠો અને ટ્રાફિક સંચાલન માટે મહત્વના નિર્ણયો

પાણી પુરવઠાની વ્યવસ્થા જાળવી રાખવા ખીજડિયા પમ્પ હાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, ઊંડ-1, સસોઈ અને આજી-3 ડેમ પર 24 કલાક ઈલેક્ટ્રો-મિકેનિકલ મશીનરીના સંચાલન માટે રૂ. 55.44 લાખ અને જેટીંગ મશીનની ખરીદી માટે રૂ. 66.10 લાખ ફાળવાયા છે. આરોગ્ય ક્ષેત્રે માઈક્રોસ્કોપ અને ઓક્સિજન કન્સેન્ટ્રેટરની ખરીદીનો ખર્ચ સ્વભંડોળમાંથી બુક કરાયો છે. સાથોસાથ પીએન માર્ગ પર કસ્તુરબા વિકાસ ગૃહથી નવાગામ ઘેડ સુધી 18 મીટર પહોળો ડીપી રોડ બનાવવા અને ખાનગી બસોના પાર્કિંગ માટે મ્યુનિસિપલ જગ્યાના ઉપયોગની દરખાસ્તનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande