ખાખીના સથવારે, બાળકોની દિવાળીના તહેવારો બન્યા યાદગાર!
આદિપુર પોલીસની અનોખી પહેલથી કરુણા વિહાર અને આર્ય સમાજના બાળકોના ચહેરા પર છવાયું ખુશીનું સ્મિત-વર્દીનો રુઆબ ભૂલી પોલીસ બની બાળકોની ખુશીઓનો હિસ્સો; -પીઆઈ એસ.એન. કરંગીયા સહિત મહિલા પોલીસ કર્મચારીઓએ મીઠાઈ, ભેટસોગાદો અને ફટાકડાનું વિતરણ કરી માનવતાની મહ
આદિપુર પોલીસ ની કામગીરી


આદિપુર પોલીસ ની કામગીરી


આદિપુર પોલીસ ની કામગીરી


આદિપુર પોલીસ ની કામગીરી


-આદિપુર પોલીસની અનોખી પહેલથી કરુણા વિહાર અને આર્ય સમાજના બાળકોના ચહેરા પર છવાયું ખુશીનું સ્મિત-વર્દીનો રુઆબ ભૂલી પોલીસ બની બાળકોની ખુશીઓનો હિસ્સો; -પીઆઈ એસ.એન. કરંગીયા સહિત મહિલા પોલીસ કર્મચારીઓએ મીઠાઈ, ભેટસોગાદો અને ફટાકડાનું વિતરણ કરી માનવતાની મહેક ફેલાવી

કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : દિવાળી એટલે પ્રકાશ, પ્રેમ અને ખુશીઓનો તહેવાર. સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર અને સ્વજનો સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે, પરંતુ તહેવારની સાચી ખુશી ત્યારે બમણી થઈ જાય છે, જ્યારે આપણા આનંદમાં એવા લોકો પણ સહભાગી બને જેમના જીવનમાં ખુશીઓના પ્રસંગો મર્યાદિત હોય. આ જ સંવેદનાને સાકાર કરતાં આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા દિવાળીના પર્વે એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી હતી. પોલીસની આ પહેલે સાબિત કર્યું કે ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પ્રતીક નથી, પરંતુ તેની પાછળ લાગણી, કરુણા અને સામાજિક જવાબદારીની ભાવના પણ ધબકે છે.

આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. કરંગીયાના માર્ગદર્શન હેઠળ, કરુણા વિહારની બાળાઓ તેમજ આર્ય સમાજના બાળકો માટે વિશેષ દિવાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરી તેમના માટે તહેવારને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. પીઆઈ એસ.એન. કરંગીયા અને મહિલા પોલીસ કર્મચારીઓએ બાળકોને કંકુ તિલક કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે બાળકોને મીઠાઈ, વિવિધ ભેટસોગાદો અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેટસોગાદો મળતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને બાળકો એકસાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણીમાં જોડાયાં હતાં. પોલીસ કર્મચારીઓએ બાળકો સાથે હળવાશભરી પળો વિતાવી તેમની ખુશીઓમાં સહભાગી બની વાતાવરણને ઉત્સાહમય બનાવ્યું હતું.

આ સમગ્ર આયોજનમાં આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. ફરજની વ્યસ્તતા વચ્ચે સમાજના બાળકો માટે સમય ફાળવી તેમને હૂંફ અને આત્મીયતાનો અનુભવ કરાવતી આ પહેલ માનવતાનું સુંદર ઉદાહરણ બની હતી.

આદિપુર પોલીસની આ દિવાળી માત્ર મીઠાઈ અને ફટાકડાની ઉજવણી પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ બાળકોને પ્રેમ, સન્માન અને પોતાના હોવાનો અહેસાસ કરાવતી યાદગાર પળોનું સર્જન કરી ગઈ હતી. ખાખીના કડક દેખાવ પાછળ રહેલું લાગણીશીલ હૃદય જ્યારે આવી રીતે બહાર આવે છે, ત્યારે પોલીસ અને સમાજ વચ્ચેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બને છે. ખરેખર, બીજાના જીવનમાં ખુશીનો પ્રકાશ પાથરવો એ જ દિવાળીની ઉજવણીનો સૌથી સુંદર અર્થ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande