દિવાળીના તહેવારોમાં પરિવારથી વિખૂટો પડેલો 8 વર્ષનો અર્જુન, અંજાર પોલીસની સતર્કતાથી પરિવારને ફરી મળ્યો!
કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : કચ્છના અંજારમાં દિવાળીના તહેવાર દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. તહેવારની રજાઓમાં પરિવાર સાથે ફરવા નીકળેલા આઠ વર્ષના બાળક માટે અંજાર પોલીસ દેવદૂત બનીને આવી હતી. ભીડભાડ વચ્ચે માતા-પિતાથી વિખૂટો
પરિવાર થી વિખૂટો પડેલ બાળક


કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : કચ્છના અંજારમાં દિવાળીના તહેવાર દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. તહેવારની રજાઓમાં પરિવાર સાથે ફરવા નીકળેલા આઠ વર્ષના બાળક માટે અંજાર પોલીસ દેવદૂત બનીને આવી હતી. ભીડભાડ વચ્ચે માતા-પિતાથી વિખૂટો પડી ગયેલો માસૂમ બાળક આખરે પોલીસની સતર્કતા અને સમયસૂચક કામગીરીના કારણે હેમખેમ પોતાના પરિવારને મળી આવ્યો હતો. બાળકને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવામાં અંજાર પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.

મળતી વિગતો મુજબ, દિવાળીના તહેવારને પગલે અંજાર શહેરમાં લોકોની અવરજવર વધી હતી અને બજારો સહિતના વિસ્તારોમાં તહેવારની રોનક જોવા મળી રહી હતી. આ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ગંગાનાકા નજીક પોલીસ સ્ટાફની નજર એકલા ફરી રહેલા આશરે આઠ વર્ષના બાળક પર પડી હતી. પોલીસ કર્મચારીઓએ બાળક પાસે જઈ હૂંફપૂર્વક પૂછપરછ કરતાં તેનું નામ અર્જુન હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અર્જુન દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના માતા-પિતા સાથે અંજારમાં ફરવા આવ્યો હતો. જોકે, ભીડભાડમાં અજાણતાં જ તે માતા-પિતાનો હાથ છૂટી જતાં પરિવારથી વિખૂટો પડી ગયો હતો. નાનકડા બાળકને એકલું જોઈ પોલીસે તાત્કાલિક તેને આશ્વાસન આપ્યું અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી.

અંજાર પોલીસના જવાનોએ સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સનો અસરકારક ઉપયોગ કરીને બાળકના પરિવાર સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસની ઝડપી કામગીરીના પરિણામે બાળકના પિતા સંજયભાઈ ચંદ્રવંશીનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. ત્યારબાદ જરૂરી ખરાઈ કરી બાળક અર્જુનને તેના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ પોતાના બાળકને હેમખેમ જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર કામગીરી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા સહિત પોલીસ સ્ટાફે આ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande