કચ્છમાં ₹8.46 કરોડના મહાકાય સાયબર ફ્રોડનો પર્દાફાશ: 7 રાજ્યોમાં દરોડા પાડી 13 આરોપીઓ ઝડપાયા, ₹3.82 કરોડની રકમ ફ્રીઝ કરાવવામાં સફળતા!
211 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મારફતે કંપનીના બેંક ખાતામાંથી કરોડોની ઉચાપત; બોગસ શેલ કંપનીઓ અને ભાડાના બેંક ખાતાઓનો ઉપયોગ કરી આચરવામાં આવી હતી છેતરપિંડી કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં નોંધાયેલા રૂ.8.46 કરોડના જંગી ઓનલાઇન સાયબર ફ્રો
ગાંધીધામ સાયબરફ્રોડ કેસના આરોપીઓ


211 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મારફતે કંપનીના બેંક ખાતામાંથી કરોડોની ઉચાપત; બોગસ શેલ કંપનીઓ અને ભાડાના બેંક ખાતાઓનો ઉપયોગ કરી આચરવામાં આવી હતી છેતરપિંડી

કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં નોંધાયેલા રૂ.8.46 કરોડના જંગી ઓનલાઇન સાયબર ફ્રોડનો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ, બેંક એકાઉન્ટ ટ્રેસિંગ અને સાયબર નેટવર્કની ઊંડી તપાસના આધારે પોલીસે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન હાથ ધરી કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાયબર ઠગાઈમાં આરોપીઓએ બોગસ શેલ કંપનીઓ અને ભાડે મેળવેલા અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાંની હેરફેર કરી હતી. પોલીસની તપાસ દરમિયાન છેતરપિંડીથી મેળવવામાં આવેલી કુલ રકમ પૈકી રૂ.3,82,73,987 જેટલી રકમ હોલ્ડ અને ફ્રીઝ કરાવવામાં પણ સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તા.5 નવેમ્બર 2026ના રોજ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. ફરિયાદીના યશ બેંક સાથે સંકળાયેલા કંપનીના CC/OD બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારનો OTP કે અધિકૃત મંજૂરી વિના નેટ બેન્કિંગનું એક્સેસ મેળવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ એક પછી એક કુલ 211 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.8,46,07,849ની રકમ ઓનલાઇન અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ રીતે કંપનીના બેંક ખાતામાંથી કરોડોની રકમ ઉપડી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે બેંક ખાતાઓની નાણાકીય લેવડદેવડ, ટેકનિકલ પુરાવાઓ અને ડિજિટલ સર્વેલન્સના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા શખ્સો ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાનું સામે આવ્યું હતું.

આથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કુલ 10 અલગ-અલગ ટીમો બનાવી રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત આસામ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિતનાં સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને સાયબર એક્સલન્સ ગાંધીનગરની ટીમનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. અંતે અલગ-અલગ સ્થળોએથી કુલ 13 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સાયબર ફ્રોડની આ મોડસ ઓપરેન્ડીમાં બોગસ એટલે કે શેલ કંપનીઓ ઊભી કરી તથા ભાડે મેળવેલા અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને છેતરપિંડીથી મેળવેલી રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. આ રીતે નાણાંની હેરફેર કરીને મૂળ આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસની ટેકનિકલ તપાસ અને બેંકિંગ નેટવર્કના વિશ્લેષણથી આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો માર્ગ મોકળો બન્યો હતો.

ઝડપાયેલા 13 આરોપીઓનાં નામ

આ કેસમાં પોલીસે પ્રથમ આરોપી તરીકે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભીંડર તાલુકાના ભીંડર ગામે રહેતા 24 વર્ષીય પ્રવિણ ભેરૂલાલ રેગરની ધરપકડ કરી છે. બીજા આરોપી તરીકે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના આકોલા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય રઝાક મોહમ્મદ સુલતાનમોહમદ મંસુરીને ઝડપી પાડ્યો છે. ત્રીજા આરોપી તરીકે તેલંગાણાના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદમાં રહેતા 51 વર્ષીય સમૈયાહ મલ્લયાહ દામેરાને પકડવામાં આવ્યો છે.

ચોથા આરોપી તરીકે રાજસ્થાનના જોધપુર જિલ્લાના માણકલાવમાં રહેતા 20 વર્ષીય રાકેશ દલારામ સોલંકી અને પાંચમા આરોપી તરીકે રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના બુહાના વિસ્તારમાં રહેતા 21 વર્ષીય મનીષ રામાનંદ આહીરની ધરપકડ કરવામાં આવી છે. છઠ્ઠા આરોપી તરીકે આ જ વિસ્તારના 23 વર્ષીય સચીન સુરેન્દ્રસિંહ આહીરને ઝડપી લેવામાં આવ્યો છે.

સાતમા આરોપી તરીકે આસામના ગુવાહાટીમાં રહેતા 26 વર્ષીય પ્રભુદાદાસ પ્રતાપ કુમાર દાસ અને આઠમા આરોપી તરીકે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના બછેરાપારા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય ભાનુપ્રતાપ બીસાહુદાસને પકડવામાં આવ્યા છે. ભાનુપ્રતાપ સામે છત્તીસગઢમાં અન્ય એક ગુનામાં ધરપકડની કાર્યવાહી બાકી હોવાથી તેને ત્યાંની પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નવમા આરોપી તરીકે અમદાવાદના ગુપ્તાનગર, એ.પી.એમ.સી. વિસ્તારમાં રહેતા 20 વર્ષીય સોહિલખાન અજબખાન પઠાણ અને દસમા આરોપી તરીકે અમદાવાદના જુહાપુરામાં રહેતા 19 વર્ષીય અરમાન સલીમભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે. અગિયારમા આરોપી તરીકે જામનગરના હુલર મીલ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય રાહુલ રામજીભાઈ સોલંકી, બારમા આરોપી તરીકે જામનગરના ગુલાબનગરમાં રહેતા 39 વર્ષીય હિરેનભાઈ સવજીભાઈ સોનાગરા અને તેરમા આરોપી તરીકે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના આકોલા કપાસણ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય કૈલાશચંદ્ર ગીરધારીલાલ ભીલની ધરપકડ કરવામાં આવી છે.

ચાર આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ રાજ્યોમાં ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રથમ આરોપી પ્રવિણ ભેરૂલાલ રેગર સામે દિલ્હી સ્પેશિયલ સેલમાં વર્ષ 2023માં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ફતેહનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ સંબંધિત ગુનો તથા દિલ્હીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને બનાવટી દસ્તાવેજો સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં દિલ્હી સ્પેશિયલ સેલનો ગુનો IPC કલમ 420, 120(B), 201 હેઠળ, ફતેહનગરનો ગુનો IPC કલમ 363 હેઠળ, જ્યારે દિલ્હીના સાયબર ક્રાઇમના અન્ય ગુનાઓ IPC કલમ 419, 420, 120(B) તેમજ 467, 420, 468 અને 471 હેઠળ નોંધાયેલા છે.

બીજા આરોપી રઝાક મોહમ્મદ સુલતાનમોહમદ મંસુરી સામે રાજસ્થાનના આકોલા ચિત્તોડગઢ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં IPC કલમ 420, 120(B), 201 અને IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત હરિયાણાના સોનીપતમાં પણ IPC કલમ 406, 419, 420, 120(B), 467 અને 506 હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.

બારમા આરોપી હિરેનભાઈ સવજીભાઈ સોનાગરા સામે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત રાજસ્થાનના જોધપુર કોતવાલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં IPC કલમ 408, 419, 420, 120(B), 201 અને IT એક્ટની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધાયેલો છે. સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ IPC કલમ 406, 420 અને IT એક્ટની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

તેરમા આરોપી કૈલાશચંદ્ર ગીરધારીલાલ ભીલ સામે પણ રાજસ્થાનના જોધપુર કોતવાલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં IPC કલમ 408, 419, 420, 120(B), 201 તથા IT એક્ટની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

મોબાઇલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે

આ કામગીરી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ 14 મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.70 હજાર થાય છે, બે લેપટોપ, જેની કિંમત રૂ.40 હજાર છે તથા એક CPU હાર્ડડિસ્ક, જેની કિંમત રૂ.30 હજાર છે, સહિત કુલ રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અનેક ટીમોની સંયુક્ત કામગીરીથી સફળતા

રૂ.8.46 કરોડના આ સાયબર ફ્રોડનો ભેદ ઉકેલવામાં ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હણ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. કોવાડિયા, આર.એમ. દુવા, ડી.જી. પટેલ, કે.જે. વાઢેર અને સી.એમ. ચૌધરી સહિત એલસીબીની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આ ઉપરાંત અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ, સાયબર એક્સલન્સ ગાંધીનગર અને ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત રીતે તપાસમાં ભાગ લીધો હતો.

હાલ આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. સાયબર ફ્રોડમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા, નાણાંની હેરફેરના નેટવર્ક અને બાકી રહેલી રકમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કરોડોની ઓનલાઇન છેતરપિંડીના આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ અને રૂ.3.82 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવવાની કામગીરી પૂર્વ કચ્છ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande