

કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન બેન્ટોનાઈટ ખનિજ ભરેલા બે હાઈવા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. બંને વાહનોમાંથી કુલ આશરે 82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવતાં ખનિજ ચોરી અને ગેરકાયદેસર વહનના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નખત્રાણાના વિશ્વકર્મા માર્કેટ તરફથી બેરૂ નાકા તરફ બેન્ટોનાઈટ ખનિજ ભરીને એક હાઈવા ટ્રેલર અને એક હાઈવા ટ્રક પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સતર્કતા દાખવી બંને શંકાસ્પદ વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને વાહનોમાં બેન્ટોનાઈટ ખનિજ ભરેલું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વાહનચાલકો પાસે ખનિજના વહન માટે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો માગ્યા હતા, પરંતુ તેઓ કોઈ માન્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા. પરિણામે ખાણ-ખનિજ ધારા કલમ 34 હેઠળ બંને વાહનો ડિટેઈન કરી ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલા વાહનોમાં ટાટા કંપનીનું હાઈવા ટ્રેલર નંબર GJ-27-TG-0916 સામેલ છે, જેમાં આશરે 36.3 ટન બેન્ટોનાઈટ હતું. જ્યારે બીજા ટાટા હાઈવા નંબર GJ-13-AX-6316માંથી આશરે 45.9 ટન ખનિજ મળી આવ્યું હતું. બંને વાહનોમાં મળીને કુલ 82.2 ટન જેટલો બેન્ટોનાઈટ જથ્થો હોવાનું જાણવા મળ્યું છે.
વાહનચાલકો તરીકે સુરલભીટ ગામના અનવર મામદ સમા (22) અને અલી મામદ સમા (26)નાં નામ સામે આવ્યાં છે. જ્યારે બંને વાહનોના માલિક તરીકે ટોડિયા ગામના મહાવીરસિંહ ચંદુભા સોઢાનું નામ નોંધાયું છે.
આ કામગીરીમાં ASI વિકેશભાઈ રાઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નખત્રાણા વિસ્તારમાં એકસાથે બે વાહનોમાંથી મોટી માત્રામાં ખનિજ મળી આવતાં ગેરકાયદેસર ખનિજ વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar