કચ્છના એકલધાર પાસે હાઇવે પર મળેલી અજાણી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
ઉત્તરપ્રદેશના મેળામાંથી વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો.- ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હાઇવે પર ફેંકી દીધી. કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : કચ્છના પૂર્વ વિસ્તારમાં એકલધાર (આડેસર) નજીક નેશનલ હાઇવે નંબર-
એકલધાર (આડેસર) હત્યા કેસનો આરોપી


- ઉત્તરપ્રદેશના મેળામાંથી વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો.- ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હાઇવે પર ફેંકી દીધી.

કચ્છ, 10 નવેમ્બર (હિ.સ.) : કચ્છના પૂર્વ વિસ્તારમાં એકલધાર (આડેસર) નજીક નેશનલ હાઇવે નંબર-૨૭ પર મળી આવેલી અજાણી મહિલાની લાશનો ભેદ આખરે ઉકેલવામાં આડેસર પોલીસને સફળતા મળી છે. અંદાજે બે મહિના અગાઉ બનેલી આ ચકચારી હત્યાના બનાવમાં પોલીસે ટેકનિકલ તપાસ, માનવ બાતમીદારો અને આંતરરાજ્ય સ્તરે હાથ ધરેલી તપાસના આધારે ઉત્તરપ્રદેશના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ હાઇવેની બાજુમાં ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨:૪૦ વાગ્યાના અરસામાં એકલધાર નજીક નેશનલ હાઇવે પર એક અજાણી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલાની ઓળખ મળી ન આવતા પોલીસે તેના ફોટોગ્રાફ્સની વિવિધ રાજ્યોમાં પ્રસિદ્ધિ કરાવી હતી. બીજી તરફ જામનગર ખાતે ફોરેન્સિક મેડિસિન વિભાગમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં મહિલાનું મોત ગળાના ભાગે દબાણ આવવાના કારણે થયું હોવાનું બહાર આવતાં મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.

ટેકનિકલ તપાસ અને માનવ બાતમીના આધારે મૃતકની ઓળખ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ તાલુકાના નગલા બલુઆ ગામની પૂજાદેવી તરીકે થઈ હતી. ત્યારબાદ શિકોહાબાદ પોલીસ મારફતે પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પતિ લક્ષ્મણ સુરેશચંદ્રે લાશની ઓળખ પોતાની પત્ની તરીકે કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ગામના જ પ્રવીણ ઉર્ફે મંગો ગિરીશચંદ્ર યાદવ પર શંકા વ્યક્ત કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પૂજાદેવી અન્ય કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકાને પગલે આરોપીએ તેને ગુજરાત ફરવા જવાના બહાને પોતાની સાથે ટ્રકમાં બેસાડી હતી. આડેસર ગામનો બ્રિજ પસાર કર્યા બાદ એકલધાર નજીક ટ્રક ઊભી રાખી આગળની સીટ પર સૂતેલી પૂજાદેવીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશ રસ્તાની બાજુમાં ફેંકીને આરોપી ફરાર થઈ ગયો હતો.

આ મામલે ૨૮ ઓક્ટોબરના રોજ આડેસર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની શોધખોળ માટે ઉત્તરપ્રદેશ મોકલાયેલી પોલીસ ટીમે વેશપલટો કરીને બટેશ્વર ખાતે યોજાયેલા મેળામાંથી પ્રવીણ ઉર્ફે મંગોને ઝડપી પાડ્યો હતો. તેને કચ્છ લાવવામાં આવ્યા બાદ ૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫:૫૦ વાગ્યે વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અજાણી મહિલાની હત્યાના રહસ્ય પરથી પડદો ઉઠતાં આંતરરાજ્ય તપાસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande