
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે બે-બે વખત વ્યાજમાફીની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં, મિલકત વેરાની આવકમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો નથી. તંત્ર દ્વારા પાણી અને મિલકત વેરામાં વ્યાજ રાહત જેવી અનેક સગવડો આપવા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધીની આવક માત્ર રૂ. 298 કરોડ પર જ પહોંચી શકી છે, જે ગત વર્ષના 296 કરોડની સરખામણીએ નહિવત્ વધારે છે.
સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવર કંપનીઓ તરફથી લાખો-કરોડો રૂપિયાના વેરાની બાકી રકમ નહીં ભરાવાને કારણે ટેક્સની આવક અપેક્ષા મુજબ વધી શકી નથી. પ્રથમ તબક્કામાં લક્ષ્યાંક મુજબના કરદાતાઓ વેરો ભરવા આગળ ન આવતા આ યોજનાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, છતાં પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપાના વહીવટી તંત્ર દ્વારા ઓક્ટોબર માસથી મિલકત વેરાના બાકીદારો પર નિયમ અનુસાર વાર્ષિક 18 ટકા લેખે દૈનિક વ્યાજની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વેરા શાખા દ્વારા પ્રથમ તબક્કામાં જ પોસ્ટ વિભાગના માધ્યમથી અંદાજે 1,64,763 જેટલા મિલકત વેરાના બિલ બાકીદારોના ઘરે મોકલી દેવામાં આવ્યા છે જેથી કડક વસુલાત કરી શકાય.
વોર્ડવાર આંકડાઓની સમીક્ષા કરીએ તો, વોર્ડ નં. 7 માં સૌથી વધુ રૂ. 35.96 કરોડ અને વોર્ડ નં. 11 માં રૂ.35.28 કરોડની જંગી આવક નોંધાઈ છે, જ્યારે તેની સામે વોર્ડ નં. 16 માં માત્ર રૂ. 4.69 કરોડ અને વોર્ડ નં. 17 માં રૂ.5.95 કરોડની જ આવક થવાથી ત્યાં વસુલાતની સ્થિતિ નબળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt