
મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વે માઁ બાળા બહુચરને પરંપરાગત સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ વર્ષો જૂની પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે વખત માતાજીને સોનાનાં વાસણોમાં ભોગ ધરાવવામાં આવે છે. આ દુર્લભ પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો બહુચરાજી ધામ પહોંચ્યા હતા.
આ પરંપરા પાછળ ગાયકવાડ શાસનકાળનો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલાં વડોદરા સ્ટેટના કડી પ્રાંતના શાસક માનાજીરાવ ગાયકવાડ ગંભીર બીમારીથી પીડાતા હતા. માતા બહુચરની બાધા અને કૃપાથી તેઓ સાજા થયા બાદ કૃતજ્ઞતાના ભાવ સાથે માતાજીને સોનાનાં વાસણો ભેટ ધર્યાં હતાં. ત્યારથી સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
માનાજીરાવ ગાયકવાડ દ્વારા અર્પણ કરાયેલાં સોનાની થાળી, વાટકા અને ચમચી સહિત કુલ 9 જેટલી સોનાની વસ્તુઓમાં માતાજીને રાજભોગ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવ્યાં હતાં. રાજભોગમાં પૂરી, પાપડ, ભજીયાં, ટોપરપાક, લાડુ, વાલનું શાક, બટાકાનું શાક, મિક્સ શાકભાજી, દાળ-ભાત અને ખીર સહિત વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. વર્ષો જૂની આ પરંપરાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR