ઊંઝામાં દિવાળીના પર્વે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીનાં દર્શન કરશે, રહેવા-જમવા અને પાર્કિંગ સહિતની વિશેષ વ્યવસ્થા
મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) : ઊંઝા સ્થિત કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિર ખાતે દિવાળી પર્વની પરંપરાગત ઉજવણીનો પ્રારંભ થયો છે. કારતક સુદ એકમથી પાંચમ સુધી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે આવે તેવી સંભાવનાને પગલે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા
ઊંઝામાં દિવાળીના પર્વે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીનાં દર્શન કરશે, રહેવા-જમવા અને પાર્કિંગ સહિતની વિશેષ વ્યવસ્થા


મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) : ઊંઝા સ્થિત કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિર ખાતે દિવાળી પર્વની પરંપરાગત ઉજવણીનો પ્રારંભ થયો છે. કારતક સુદ એકમથી પાંચમ સુધી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે આવે તેવી સંભાવનાને પગલે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે દર્શન, રહેવા, ભોજન પ્રસાદ અને વાહન પાર્કિંગ સહિતની વ્યવસ્થાનું માઇક્રો પ્લાનિંગ કરાયું છે.

વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો સાથે આવતી મહિલાઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે વિશેષ દર્શન માર્ગ તૈયાર કરાયા છે. મંદિર સંકુલ ઉપરાંત મા અન્નપૂર્ણા ભોજનશાળા,

ઉમા પ્રસાદમ-1 અને ઉમા પ્રસાદમ-2 ખાતે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશ્રાંતિગૃહ, માનસરોવર વિશ્રાંતિગૃહ, ઉમા ભવન અને ઉમા યાત્રી ભવનમાં રોકાણની સુવિધા ઊભી કરાઈ છે. વાહનો માટે મંદિર નજીક અલગ-અલગ સ્થળોએ પાર્કિંગ પ્લોટ તૈયાર કરાયા છે.

મંદિર પરિસરમાં માતાજીની સાડી, ચાંદીના સિક્કા, ફોટા, મૂર્તિઓ, કેલેન્ડર અને ઓર્ગેનિક કુમકુમ સહિતની વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ પણ ઊભા કરાયા છે. પદયાત્રા કરીને આવતા સંઘો માટે રહેવા-જમવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થાનની 35 જેટલી કમિટીના સભ્યો અને સેવાભાવી કાર્યકરો સેવા માટે તૈનાત રહેશે.

સંસ્થાનના પ્રમુખ અને પૂર્વ આઈએએસ અધિકારી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દરેક દર્શનાર્થીને સરળતાથી દર્શન થાય અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરાયું છે. માતાજીના આશીર્વાદથી તમામ શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande