
કોંગ્રેસમાંથી પક્ષપલટા કરાવાને બદલે પોતાના જ નારાજ આગેવાનોને મનાવવાનો નવો દૌર શરૂ
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.)
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકોટ ભાજપ સંગઠનને મજબૂત બનાવવા માટે પક્ષે આયાતી રાજકારણ પડતું મૂકીને પોતાના જ નારાજ અને અસંતુષ્ટ આગેવાનો વચ્ચે જૂથવાદ મટાડી સમાધાન કરાવવાની નવી અને આશ્ચર્યજનક રણનીતિ અમલમાં મૂકી છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચૂઘ દ્વારા સંગઠનને સક્રિય કરવા અને નિષ્ક્રિય કાર્યકર્તાઓને માનભેર જોડવા અપાયેલી સખત સૂચનાઓ બાદ રાજકોટ શહેરમાં રાજકીય સરરર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ભૂતકાળમાં એકબીજાનું મોઢું જોવા સુદ્ધાં તૈયાર ન રહેતા કટ્ટર વિરોધી આગેવાનો હવે એક જ મંચ પર સાથે નજરે પડી રહ્યા છે, જેની શરૂઆત છેક મહાદેવજીના અભિષેકથી થઈ હોવાની રમૂજ રાજકીય વર્તુળોમાં વ્યાપી છે. પ્રદેશ કક્ષાના એક કુશળ આગેવાન દ્વારા રાજકોટની રાજકીય નાડ પારખીને થયેલી આ આંતરિક સર્જરીથી પક્ષમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે.
શહેરની સાથેસાથે રાજકોટ જિલ્લાના રાજકારણમાં પણ બે અગ્રણીઓ વચ્ચેના મતભેદો દૂર કરવા માટે એક શાંત સ્વભાવના ધારાસભ્યાએ મધ્યસ્થી કરી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સૌરાષ્ટ્રની આસ્થાના પ્રતીક સમાન ખોડલધામના પરિપ્રેક્ષ્યમાં અને સહકારી ક્ષેત્રના તાકાતવર યુવા નેતાઓ એક થતા જિલ્લાના સમીકરણો પણ ઝડપથી પલટાઈ રહ્યા છે. ચૂંટણી સમયે અસંતોષનો અવાજ દબાવવા માટે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂના જોગીઓને ફરી કાંધી પર બેસાડવાની કવાયત તેજ થઈ છે.
અગાઉ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં નેતાઓની આયાત કરવાની નીતિ અપનાવાતી હતી, પરંતુ હવે ભાજપ પોતાની જ ઘરઆંગણાની ખામીઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પક્ષના આંતરિક મતભેદો અને ખખડતાં વાસણોનો અવાજ બંધ કરવા માટે શરૂ થયેલા આ સમાધાનકારી પ્રયાસોથી સંગઠનને ફાયદો થશે કે નુકસાન તે સમય જ કહેશે, પરંતુ તેનાથી રાજકારણ ગરમાયું છે.
આગામી નૂતન વર્ષના પ્રારંભમાં હજુ પણ કેટલાક બાકી રહેલા અસંતુષ્ટ જૂથો એકબીજા સાથે બેસીને જૂના ગીલ્લા-શિકવા ભૂલી મોઢાં મીઠાં કરવાના કાર્યક્રમો ગોઠવે તેવી પૂરી સંભાવના છે. જો રાજકોટ ભાજપની આ આંતરિક સમાધાનકારી નીતિ સફળ નીવડશે તો આગામી ચૂંટણી અગાઉ પક્ષમાં એક નવો સૂર્યોદય જોવા મળશે, જે વિરોધી પક્ષો માટે પણ ચિંતાનો વિષય બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt