
સુરત, 10 નવેમ્બર (હિ.સ.): કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે દિવાળી અને બેસતા વર્ષના પાવન અવસરે દેશવાસીઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી, પરંતુ નવા વિચારો, નવી શરૂઆત અને નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપતો અવસર પણ છે. નવા વર્ષમાં દરેક વ્યક્તિ નવી ઊર્જા અને ઉત્સાહ સાથે પોતાના જીવનમાં રચનાત્મક કાર્યોની શરૂઆત કરે અને સફળતાના નવા શિખરો સર કરે તેવી તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ: સી.આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દેશને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની આ મહત્વાકાંક્ષી યાત્રામાં દરેક નાગરિકની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે વિકસિત ભારતના સંકલ્પને માત્ર વિચાર પૂરતો સીમિત ન રાખતા તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે અને વ્યક્તિગત તેમજ સામાજિક સ્તરે વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે.
રાષ્ટ્રનિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારી જરૂરી: કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવનારી પેઢીને સમૃદ્ધ, સક્ષમ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાની જવાબદારી આપણા સૌની છે. દેશના વિકાસને નવી ગતિ આપવા માટે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે સૌ સાથે મળીને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો દૃઢ સંકલ્પ કરે તેવી અપીલ સાથે તેમણે ફરી એકવાર દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે