પાટણ કોર્ટનો આદેશ: રૂ. 21.76 લાખની લોન વસૂલવા માતરવાડીની મિલકતનો કબજો ફાઇનાન્સ કંપનીને સોંપાશે
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે લોનના બાકી લેણાંની વસૂલાત માટે માતરવાડી વિસ્તારમાં આવેલી એક મિલકતનો ભૌતિક કબજો ફાઇનાન્સ કંપનીને સોંપવાનો આદેશ કર્યો છે. આઈ.ટી.આઈ. હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ (અગાઉની ફાસ્ટેક હા
પાટણ કોર્ટનો આદેશ: રૂ. 21.76 લાખની લોન વસૂલવા માતરવાડીની મિલકતનો કબજો ફાઇનાન્સ કંપનીને સોંપાશે


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે લોનના બાકી લેણાંની વસૂલાત માટે માતરવાડી વિસ્તારમાં આવેલી એક મિલકતનો ભૌતિક કબજો ફાઇનાન્સ કંપનીને સોંપવાનો આદેશ કર્યો છે. આઈ.ટી.આઈ. હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ (અગાઉની ફાસ્ટેક હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ) દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પાટણના માતરવાડી વિસ્તારમાં હરિહર રોડની સોસાયટીમાં રહેતા દિનેશ ચેહરભાઈ અને રેખાબેને કંપની પાસેથી રૂ. 20 લાખની લોન લીધી હતી. જોકે, નિયમિત હપ્તા નહીં ભરાતાં લોન ખાતું એન.પી.એ. જાહેર થયું હતું અને વ્યાજ સહિત બાકી રકમ રૂ. 21,76,369 થઈ હતી.

કંપનીના અધિકૃત અધિકારી કપિલ જૈનના સોગંદનામા અને રજૂ કરાયેલા દસ્તાવેજોને ધ્યાનમાં લેતાં મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે સરફેસી એક્ટની કલમ 13(2) હેઠળ 60 દિવસની નોટિસ આપવા છતાં લેણાંની ભરપાઈ નહીં થતાં મિલકતનો કબજો મેળવવાની કાર્યવાહી મંજૂર કરી હતી. કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના હેડ ક્લાર્ક એસ.એમ. સુથારને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ માતરવાડીની 153.42 ચોરસ મીટર પ્લોટવાળી મિલકતનો કબજો મેળવશે, જેમાં ભોંયતળિયે અને પ્રથમ માળે મળીને કુલ 133.78 ચોરસ મીટર બાંધકામ આવેલું છે.

કોર્ટના આદેશ મુજબ, મિલકત બંધ હોય તો તાળું તોડીને પણ કબજો મેળવી શકાશે. જરૂરિયાત જણાય તો સ્થાનિક પોલીસ અધિકારીને પોલીસ રક્ષણ પૂરું પાડવા તેમજ જરૂરી બળનો ઉપયોગ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. કોર્ટ કમિશનરે આ સમગ્ર કામગીરી જાહેર રજાના દિવસે અથવા કોર્ટના નિયમિત સમય સિવાય પૂર્ણ કરીને 90 દિવસની અંદર કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવાનો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande