
- શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી અને GPCB દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજી શ્રદ્ધાળુઓ તેમજ વેપારીઓને બાયોડિગ્રેડેબલ વિકલ્પો અપનાવવા આહ્વાન કરાયું
દ્વારકા, 10 નવેમ્બર (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને સ્વચ્છ, પવિત્ર અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી શ્રી દ્વારકાધીશ મંદિર પરિસરમાં વિશેષ જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), જામનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધાર્મિક સ્થળની ગરિમા જાળવી રાખી દ્વારકાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને દેશભરમાંથી આવતા યાત્રાળુઓને પર્યાવરણ સંરક્ષણનો સ્પષ્ટ અને અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.
અભિયાન દરમિયાન સામાન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓના આધુનિક અને પર્યાવરણમિત્ર વિકલ્પો વિશે લોકોને વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને મકાઈના સ્ટાર્ચમાંથી તૈયાર થતી ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ થેલીઓ અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા વિકલ્પો અપનાવવા માટે લોકોને પ્રેરિત કરી મંદિર પરિસરમાં જ આવી ઇકો-ફ્રેન્ડલી થેલીઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી પ્લાસ્ટિકનો વપરાશ તાત્કાલિક ધોરણે ઘટાડી શકાય.
આ પ્રસંગે મંદિર વહીવટદાર અને દ્વારકા એસડીએમ દ્વારા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના કચરાના કારણે માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ ગૌવંશના આરોગ્ય પર પણ અત્યંત વિપરીત અને ગંભીર અસરો થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સમાજના દરેક વર્ગે પોતાની જવાબદારી સમજીને પ્લાસ્ટિક મુક્ત દ્વારકાના આ સંકલ્પમાં સક્રિય સહયોગ આપવો અત્યંત જરૂરી હોવાનું જણાવાયું હતું.
દ્વારકાની ધાર્મિક પવિત્રતા, સ્વચ્છતા અને પ્રાકૃતિક સુંદરતા જાળવી રાખવા માટે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોનું સંગઠન કરવામાં આવ્યું છે. યાત્રાધામને સસ્ટેનેબલ અને સ્વચ્છ બનાવવાના આ સામૂહિક પ્રયાસમાં સ્થાનિક વેપારી મંડળો, રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ આગળ આવીને ભાગીદાર બને તેવી હાકલ કરવામાં આવી હતી. આવા સતત પ્રયાસોથી દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરી પર્યાવરણ રક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt