

પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) : ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની કર્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરની એક એવી વિશેષ વાનગી છે, જેની મીઠાશ આજે દેશ-વિદેશ સુધી પહોંચી છે. વાત છે પોરબંદરની
વિશ્વવિખ્યાત ખાજલીની.
દિવાળીના તહેવારને લઈને ખાજલી બનાવતા વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી
દેવામાં આવી છે. દિવાળીના દિવસોમાં અંદાજે 15થી 20 હજાર કિલો ખાજલીનું વેચાણ થાય છે. પોરબંદરની ખાજલીનો સ્વાદ અને બનાવવાની રીત તેને અન્ય સ્થળોથી અલગ ઓળખ આપે છે. અહીંનું વાતાવરણ, પાણી અને વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોની
વિશિષ્ટ કળા ખાજલીને આગવો સ્વાદ આપે છે. સાતમ-આઠમ, દિવાળી, ભાઈબીજ અને મકરસંક્રાંતિ
જેવા તહેવારોમાં તેની ભારે માંગ રહે છે. પોરબંદરમાં મુખ્યત્વે મોરી, મીઠી અને મસાલાવાળી
એમ ત્રણ પ્રકારની ખાજલી બનાવવામાં
આવે છે. તહેવારો ઉપરાંત લગ્ન પ્રસંગો અને ભેટ-સોગાદમાં પણ ખાજલીનું વિશેષ સ્થાન છે. પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતનાં વિવિધ શહેરો અને અન્ય
રાજ્યોમાં પણ ખાજલી પહોંચે છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા પોરબંદરના પરિવારો પણ પોતાના સ્નેહીજનો
માટે ખાજલી મોકલે છે.
આમ, પોરબંદરની ખાજલી માત્ર એક વાનગી નહીં, પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખ અને વતનની મીઠી યાદ બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya