
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 8 નવેમ્બર, 2026ના રોજ એક મહિલા પોતાના પરિવાર સાથે નવા મકાનની સફાઈ કરવા ગઈ હતી. આ દરમિયાન ઘરમાં ઊંઘી રહેલી પોતાની ત્રણ વર્ષની દીકરીને સંભાળ માટે 70 વર્ષીય સગા દાદા પાસે મૂકવામાં આવી હતી. પરિવારની ગેરહાજરીનો લાભ લઈને વૃદ્ધે બાળકી સાથે અયોગ્ય કૃત્ય આચર્યાનો આરોપ છે.
સાંજે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે બાળકી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીની હાલત જોઈ પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. માતા-પિતાએ પ્રેમથી પૂછપરછ કરતાં બાળકી રડવા લાગી હતી અને ઈશારાથી પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. પરિવારજનોએ વૃદ્ધને આ અંગે પૂછતાં તેણે કૃત્યની કબૂલાત કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં બાળકીના પરિવારજનોએ તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી 70 વર્ષીય વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકીની સારવાર સહિત જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે