
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. કલેક્ટર ડૉ. ઓમપ્રકાશની સૂચનાથી દિવાળીના તહેવારો બાદ તરત જ જિલ્લામાં મોટાપાયે ડિમોલિશન અને જમીન માપણીની કામગીરી વેગવંતી બનશે, જેથી દબાણમુક્ત જમીનો પાછી મેળવી શકાય.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અનુસાર, જાહેર માર્ગો, હાઇવે, સરકારી પડતર જમીનો તથા ગૌચર વિસ્તારોમાં ખડકાયેલા અનધિકૃત દબાણોને ઓળખીને દૂર કરવા તમામ ડેપ્યુટી કલેક્ટરો અને મામલતદારોને આદેશ અપાયા છે. આગામી રેવન્યુ અધિકારીઓની બેઠકમાં પણ આ વિષયને અગ્રતા આપીને સઘન સમીક્ષા કરવામાં આવશે.
આ પ્રક્રિયા હેઠળ વહીવટી તંત્ર દ્વારા દબાણવાળી જગ્યાઓની ચોક્કસ હદ નક્કી કરવા માટે સર્વે અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે અને માપણી માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં, જેથી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને.
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને આ કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બેદરકારી ન રાખવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. સરકારી જમીનોને દબાણમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા કડક અને અસરકારક પગલાં લેવાની રણનીતિ ઘડવામાં આવી ચૂકી છે.
આ સમગ્ર અભિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર હિતના રસ્તાઓ અને પશુધન માટેની ગૌચર જમીનોને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવાનો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt