
ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના વાતાવરણમાં કેડેટ્સને એવોર્ડ એનાયત કરાયા, વાર્ષિક સામયિક 'સંદેશક'ની ડિજિટલ આવૃત્તિનું વિમોચન
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) :
જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શાળાના ઓડિટોરિયમમાં 65મો વાર્ષિકોત્સવ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત લેફ્ટનંત જનરલ અસિત મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે તથા ધ્રોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગૌતમ લોદાલિયા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે વાર્ષિક અહેવાલ રજૂ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ કેડેટ્સને સશસ્ત્ર દળોમાં કમિશન્ડ ઓફિસર તરીકે તૈયાર કરવાની શાળાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વાર્ષિક અહેવાલ બાદ કેડેટ્સ દ્વારા મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કેડેટ રિયા અને આયુષીએ ભરતનાટ્યમ, અહિલ્યાબાઈ હાઉસના કેડેટ્સે નૃત્ય તથા ધોરણ 11ના કેડેટ્સે 'ઇન્કિલાબ કી અમર ગૂંજ' શીર્ષક હેઠળ હિન્દી નાટિકા રજૂ કરી હતી. આ ઉપરાંત ધોરણ 8ના કેડેટ્સના નૃત્ય અને બાલનિકેતનના વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાની અસરો પર આધારિત અર્થપૂર્ણ નાટિકા રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ દર્શાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેડેટ્સને ઈનામો અને ટ્રોફીઓ એનાયત કરાઈ હતી. શિવાજી હાઉસે સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'કોક હાઉસ ટ્રોફી', જ્યારે અહિલ્યાબાઈ હાઉસે 'બેસ્ટ જુનિયર હાઉસ'ની ટ્રોફી મેળવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે સીનિયર અને જુનિયર ગ્રુપની ટ્રોફી અનુક્રમે ટાગોર હાઉસ અને અહિલ્યાબાઈ હાઉસને મળી હતી. 156મા NDA કોર્સમાં પ્રવેશ મેળવનાર શિવાજી હાઉસના કેડેટ મેઘરાજ ગોહેલને 'શહીદ કેપ્ટન નિલેશ સોની મેડલ' અને ઓબ્સા ફાઉન્ડેશન તરફથી 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વર્ષ 2025-26 માટે 'બેસ્ટ ઓલરાઉન્ડ કેડેટ' તરીકે ધ્રુવિલ મકવાણા (સીનિયર), સૂરજ જાટ (જુનિયર) અને દીક્ષા (ગર્લ્સ)ની પસંદગી થઈ હતી. આ સિવાય જયરાજ પંવારને 'બેસ્ટ એથ્લીટ', મિથુનરાજ નેલીને 'બેસ્ટ ઇન આર્ટ', રુદ્ર ચૌધરી અને વંશ શર્માને 'બેસ્ટ ડિબેટર', હિમાંશુ યાદવને 'મલ્ટીટેલેન્ટેડ કેડેટ' અને હર્ષિત રાજને 'શાઇનિંગ સ્ટાર'નો પુરસ્કાર મળ્યો હતો. ધોરણ 12 બોર્ડમાં 86 ટકા મેળવનાર જશ કપોપરાને 'સ્વ. શ્રીમતી રામરતી દેવી કૌશલ ટ્રોફી' અપાઈ હતી. આ પ્રસંગે વાર્ષિક સામયિક 'સંદેશક'ની ડિજિટલ આવૃત્તિનું વિમોચન કરાયું હતું. અંતમાં ઉપાચાર્ય સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારીએ આભારવિધિ રજૂ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt