
થરાદ/અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે બેસતા વર્ષના દિવસે નકળંગ ભગવાનનાં દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા છે અને મેળો ચાલી રહ્યો છે.
મંદિર પરિસરમાં ભક્તો ‘જય નકળંગ ભગવાન’ના નારા લગાવી રહ્યા છે. નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનનાં દર્શન કરવા લાંબી કતારો લાગી છે. લાખણી પંથક ઉપરાંત આસપાસનાં ગામો અને દૂરના વિસ્તારોમાંથી લોકો પરિવાર સાથે આવ્યા છે.
લાખણી તાલુકાના ગામે વર્ષોથી મંદિરની બહાર ચાલતા લોકમેળામાં ચકડોળ, ખરીદી, બાળકોની રાઇડ્સ, રમકડાં અને શણગારની દુકાનો છે. ખાણીપીણીના સ્ટોલ પર લોકો પારંપરિક મીઠાઈઓ અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટ, સ્થાનિક યુવાનો અને ગ્રામજનો પીવાનું પાણી, પ્રસાદ અને કતારની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે અને મેળા પર નજર રાખી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ