
વડોદરા,10 નવેમ્બર (હિ.સ.) ભારતમાં સોલર પેનલ લગાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મજબૂત નીતિઓ અમલમાં છે, જેના હેઠળ નાગરિકોને મોટી સબસિડી આપવામાં આવે છે. દેશમાં અત્યારે કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) અને રાજ્ય સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી મુખ્ય આધારસ્તંભ છે.
વડોદરાની મ.સ.યુનિવર્સિટી કેમ્પસમાં ગ્રીન એનર્જી અને વીજ બચતને પ્રોત્સાહન આપવા મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે.યુનિવર્સિટી સંચાલિત વિવિધ વિદ્યાર્થી હોસ્ટેલો પર રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા 143 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર,યુનિવર્સિટીની કુલ 16 જેટલી હોસ્ટેલો (12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલ) પર આ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું આયોજન છે. જેડા દ્વારા આ યોજના હેઠળ મંજૂરી મળતાં આ સમગ્ર સિસ્ટમ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે, જેને કારણે યુનિવર્સિટીને મોટો આર્થિક ફાયદો થશે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ ઇન્સ્ટોલેશનની કામગીરી તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
વેકેશનને બાદ કરતાં હોસ્ટેલ 9 માસ કાર્યરત રહે છે
કાર્યરત સમયગાળો: શૈક્ષણિક કેલેન્ડર મુજબ વર્ષના 12 મહિનામાંથી વેકેશન અને પરીક્ષાઓ બાદના 3 મહિના હોસ્ટેલ બંધ રહે છે.
આથી વર્ષમાં 9 મહિના હોસ્ટેલ સંપૂર્ણ કાર્યરત રહે છે.
વર્ષે 2 લાખથી વધુ યુનિટ ગ્રીન વીજળી ઉત્પન્ન થશે
યુનિવર્સિટી હોસ્ટેલો પાછળ હાલ વર્ષે અંદાજે 99 લાખનો વીજ ખર્ચ થાય છે. કેમ્પસમાં 143 KW ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ કાર્યરત થવાથી વાર્ષિક 2 લાખથી વધુ યુનિટ્સ ગ્રીન વીજળી ઉત્પન્ન થશે. આ પ્રોજેક્ટને કારણે વાર્ષિક 99 લાખના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને યુનિવર્સિટીને દર વર્ષે લાખો રૂપિયાની સીધી નાણાકીય બચત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ