
-મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક્સ પર જાહેરાત કરી - ગંગા પરનો આધુનિક પુલ ₹5,000 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે
પટના, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.). બિહારમાં બિદુપુર-રાઘોપુર છ-માર્ગીય ગંગા પુલ હવે 'નીતિશ સેતુ' તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ, શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના માનમાં કાચી દરગાહ-રાઘોપુર-બીદુપુર છ-માર્ગીય પુલનું નામ 'નીતિશ સેતુ' રાખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 21 નવેમ્બરે બિહારની તેમની મુલાકાત દરમિયાન આ પુલ રાષ્ટ્રને સમર્પિત કરશે.
મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી 21 નવેમ્બરે બિહારની મુલાકાત લેશે અને આ પ્રસંગે 'નીતિશ સેતુ'નું ઉદ્ઘાટન કરશે. તેઓ વૈશાલી જિલ્લાના રાજપાકરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિવિધ જાહેર ઉપયોગિતા અને વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.
છ લેનવાળા કાચી દરગાહ-બિદુપુર પુલના નિર્માણ માટે ₹5,000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) પાસેથી આશરે ₹3,000 કરોડની લોન મેળવી હતી, જ્યારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોમાંથી આશરે ₹2,000 કરોડ ખર્ચ્યા હતા.
આ પુલ બનાવવાનો નિર્ણય 2015 માં લેવામાં આવ્યો હતો, અને તેનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં લગભગ એક દાયકાનો સમય લાગ્યો હતો. તેની પહોળાઈ 32 મીટર છે અને તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનોને હેન્ડલ કરવા માટે રચાયેલ છે.
આ આધુનિક છ લેનનો ગંગા પુલ પટનાના સબલપુરને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 103 દ્વારા વૈશાલી જિલ્લાના બિદુપુર સાથે જોડશે. તેનો પટના-બખ્તિયારપુર બાયપાસ (એનએચ-30) સાથે સીધો જોડાણ પણ હશે.
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ પુલ પટના, વૈશાલી અને ઉત્તર બિહારના અન્ય વિસ્તારો વચ્ચે મુસાફરીને ઝડપી અને વધુ સુલભ બનાવશે તેવી અપેક્ષા છે. આનાથી રોડ કનેક્ટિવિટીમાં સુધારો થશે અને વેપાર, રોકાણ અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. આનાથી પ્રદેશમાં રોજગારની નવી તકો પણ ઊભી થવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ