

નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ, શુક્રવારે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2025 એનાયત કર્યા હતા. બેડમિન્ટન ખેલાડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ, ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ અને વિદિત ગુજરાતી અને ડેકાથલોન ખેલાડી તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે, આ વખતે કોઈ પણ ખેલાડીને દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો. 2014 પછી આ પ્રથમ વખત છે, જ્યારે કોઈને પણ ખેલ રત્ન એવોર્ડ મળ્યો નથી.
ફૂટબોલર યશૈયા અરુમાનાયગમને શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં અર્જુન પુરસ્કાર (આજીવન) એનાયત કરવામાં આવ્યો હતો. એથ્લેટિક્સ કોચ પરવીર સિંહ, બોક્સિંગ કોચ છોટે લાલ યાદવ અને શૂટિંગ કોચ નેહા નંદકુમાર ચવ્હાણને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બોક્સિંગ કોચ ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તી કોચ વિરેન્દ્ર કુમારને દ્રોણાચાર્ય પુરસ્કારની લાઇફટાઇમ અચીવમેન્ટ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
અર્જુન પુરસ્કાર મેળવનારાઓમાં વિશ્વ કપ વિજેતા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સભ્ય વિદિત ગુજરાતી, કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા તેજસ્વિન શંકર, બેડમિન્ટનની મહિલા ડબલ્સ જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સમાં મોહમ્મદ અજમલ વરિયાથોડી અને રેસ વૉકર પ્રિયંકા ગોસ્વામી, બોક્સિંગમાં નરેન્દ્ર બેરવાલ, હોકીમાં તાલરેમસિયામી હર્ઝોર્ટ અને રાજકુમાર પાલ, કબડ્ડીમાં સુરજિત અને પૂજા, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શ્યોરાનને પણ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પેરા સ્પોર્ટ્સમાં એકતા વન અને રુદ્રાંશ ખંડેલવાલને સન્માન મળ્યું હતું. પેરા શૂટર ધનુષ શ્રીકાંતને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દિવ્યા દેશમુખને 2025માં ફિડે મહિલા વિશ્વ કપ જીતીને આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. તેણે બાકુમાં રમાયેલી અંતિમ મેચમાં ભારતના અનુભવી કોનેરુ હમ્પીને ઝડપી ટાઈ-બ્રેક 1.5-0.5 માં હરાવ્યો હતો. તે જ સમયે, તેજસ્વિન શંકરે કોમનવેલ્થ ગેમ્સની ડેકાથલોન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે આ સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. વિદિત ગુજરાતી 2024માં ચેસ ઓલિમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો.
આ સમારંભમાં દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાતી, બોક્સર નરેન્દ્ર બેરવાલ અને યુવા શૂટર ધનુષ શ્રીકાંત વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા હતા. ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ જાપાન માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવાને કારણે સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા. 1962ની એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય ફૂટબોલ ટીમના સભ્ય યશાયા અરુમાનાયગમને રમતગમતમાં તેમના યોગદાન માટે અર્જુન પુરસ્કારની લાઇફટાઇમ એચિવમેન્ટ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ આર્મી પેરાલિમ્પિક નોડ, પૂણેને રાષ્ટ્રીય રમતગમત પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ દલજિત સિંહે રાષ્ટ્રપતિ પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર એવી સંસ્થાઓ અને બિન-સરકારી સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના પ્રોત્સાહન અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. ઉપરાંત, તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ્સ 2024 એનાયત કરવામાં આવ્યા હતા. બટાજીત કૌર અને સ્કલજંગ રિગઝિનને લેન્ડ એડવેન્ચર શ્રેણીમાં, રિમો સાહાને વોટર એડવેન્ચર શ્રેણીમાં અને શિવ પ્રસાદ ચમોલીને લાઇફટાઇમ અચીવમેન્ટ શ્રેણીમાં એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો સાહસિક રમતોમાં નોંધપાત્ર સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપે છે. તેનો હેતુ સહનશક્તિ, જોખમ લેવાની ક્ષમતા, ટીમ ભાવના અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરવાનો છે.
આશરે 36 મિનિટ સુધી ચાલેલા આ સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રમતગમત સચિવ હરિ રંજન રાવ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રમત મંત્રાલય દ્વારા 18 ઓગસ્ટે પુરસ્કાર વિજેતાઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે તૈયાર કરવામાં આવી હતી. આ સમિતિમાં પ્રખ્યાત રમતવીરો, રમત પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો અને રમત સંચાલકોનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે, અર્જુન પુરસ્કારની શરૂઆત વર્ષ 1961માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર સતત ચાર વર્ષ સુધી રમતગમત, નેતૃત્વ ક્ષમતા, રમતગમત અને શિસ્તમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતાઓને ₹15 લાખનું રોકડ ઇનામ, અર્જુનની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. આ પુરસ્કાર એવા કોચને આપવામાં આવે છે જેમના શિક્ષણ હેઠળ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. નિયમિત શ્રેણીના વિજેતાઓને 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે અને લાઇફટાઇમ અચીવમેન્ટ શ્રેણીના વિજેતાઓને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે.
પરંપરાગત રીતે, રાષ્ટ્રીય રમત પુરસ્કારો 29 ઓગસ્ટના રોજ હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર આપવામાં આવે છે. જો કે, કોવિડ-19 રોગચાળા પછીથી પુરસ્કાર સમારોહની તારીખમાં કોઈ સાતત્ય રહ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ